૪૦ કોલેજમાં ઓવરસીઝ એજ્યુકેશન અંગે આગામી ત્રણ મહિનામાં ૪૦ સેમિનાર યોજાશે
સેમિનારમાં વિદ્યાર્થીઓને રોજગારના અવસર, એજ્યુકેશન વિઝા અને પાસપોર્ટ અંગે માર્ગદર્શન અપાશે
રાજ્ય સરકારના શ્રમરોજગાર વિભાગ દ્વારા ઓવરસીઝ એજ્યુકેશન એન્ડ એમ્પલોઇમેન્ટ સેન્ટર અમદાવાદ રોજગાર કચેરીના માધ્યમથી ૪૦ કોલેજમાં ઓવરસીઝ એજ્યુકેશન અંગે આગામી ત્રણ મહિનામાં ૪૦ સેમિનાર યોજાશે.
મદદનીશ નિયામક શ્રી રોજગાર અમદાવાદના એસ.આર.વિજયવર્ગીયે જણાવ્યું કે, આગામી ત્રણ માસમાં નર્સિંગ કોલેજ, મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ અને અન્ય કોલેજમાં ઓવરસીઝ એજ્યુકેશન એન્ડ એમ્પલોઇમેન્ટ ઓપોચ્યુનિટી અંગે માર્ચ ૨૦૨૦ પહેલા ઓવરસીઝ એજ્યુકેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ સાથે-સાથે યુવાનોને અભ્યાસ કરવા માટે વિદેશમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ તથા યુ.એસ. અને કેનેડામાં કઇ યુનિવર્સિટી દ્વારા કેટલાં બેન્ડ અને ફી તથા એનું ગ્રેડ અને અભ્યાસ સાથે કામ કરવા માટેની તક અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે, જે કોલેજના યુવાનોને ઉપયોગી થશે.
એસ.આર.વિજયવર્ગીયે વધુમાં જણાવ્યું કે, ૧૦૦ કરતાં વધુ યુવાનો ધરાવતી કોલેજ આ સેમિનારનું આયોજન કરવા ઇચ્છતી હોય તો એમના આચાર્ય શ્રીએ વિનંતી પત્ર મોકલવાના રહેશે. મદદનીશ નિયામક રોજગાર અમદાવાદ, બહુમાળી ભવન અસારવા બ્લોક એ-બી પહેલો માળ, ગિરધરનગર બ્રીજ પાસે અમદાવાદને ઉદ્દેશીને સમય અને તારીખની માંગણી કરતી અરજી આચાર્યના સહી સિક્કા સાથે ટપાલ દ્વારા અથવા કુરિયર દ્વારા અને એની સ્કેન કોપી ઈ-મેલ આઈ-ડી [email protected] પર મોકલી આપવાની રહેશે.
એસ.આર.વિજયવર્ગીયે વધુમાં કહ્યું કે, ગુજરાત સરકારના શ્રમરોજગાર વિભાગ દ્વારા વર્ષોના અનુભવી તજજ્ઞ દ્વારા યુવાનોને વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા યુવાનોને સચોટ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા માટે તેમજ લેભાગુ દલાલો અને એજન્ટોથી બચવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે-સાથે એજ્યુકેશન વિઝા, પાસપોર્ટ અને રોજગારના અવસર અંગે માર્ગદર્શન આપવામાં આવશે.