હવે દિવાળી પછી ધમધમતું થશે સુરત ડાયમંડ બુર્સ
બુર્સના ચેરમેનની લેબગ્રોન ડાયમંડ એસો. સાથે બેઠક સફળ રહી પરંતુ દશેરાને ટૂંકો સમય હોવાથી દિવાળી પછી ઓફિસ શરૂ કરવા તૈયારી
સુરત, નેચરલ ડાયમંડના સૌથી મોટા બિઝનેસ સેન્ટર બનાવવા તૈયાર કરાયેલા સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા છેવટે લેબગ્રોન ડાયમંડનો પણ બિઝનેસ શરૂ કરાવવા માટેનું મન બનાવી લેવાયું છે.
આ માટે એસોસિએશન અને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વચ્ચે બેઠક યોજાઈ હતી, વેપારીઓએ કહ્યું હતું કે, દશેરા સુધીના ટૂંકાગાળામાં ઓફિસ શરૂ કરવી મુશ્કેલ છે પરંતુ દિવાળી પછી શકય તેટલી ઓફિસ શરૂ કરવા માટેનો અહમારો પ્રયાસ રહેશે. આવા હકારાત્મક પ્રત્યુત્તર બાદ સુરત ડાયમંડ બુર્સને દિવાળી બાદ થોડો પ્રાણવાયુ મળે તેવું જોવાઈ રહ્યું છે.
સુરત ડાયમંડ બુર્સ ખાતે વેપાર ઝડપથી શરૂ થાય તેના માટે નિર્માણ બાદથી સખ્ત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક એવા કારણો છે કે, જેના કારણે હજી સુધી સુરત ડાયમંડ બુર્સ શરૂ થઈ ચૂકયું નથી.
ફરી એક વખત સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા ડાયમંડ એસોસિએશન અને તેની સાથે સંકળાયેલા તમામ વેપારીઓને સીધી રીતે મળવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આજે શનિવારે મળેલી બેઠકમાં ફરી એક વખત મેન્યુફેકચરર, ટ્રેડર્સ અને બ્રોકર્સ તમામને વિનંતી કરવામાં આવી કે તમે બધા સહકાર આપો.
સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા દશેરાના દિવસથી નવી ઓફિસ શરૂ થાય તેના માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ડાયમંડ ઉદ્યોગમાં હાલ આંતરરાષ્ટ્રીય સ્તરો પર પણ અનેક સંકટો ઊભા થયા છે. એના કારણે હીરા ઉદ્યોગ મંદીના ભરડામાં ફસાયો છે. બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ તો તૈયાર થઈ ગયું છે. પરંતુ ડાયમંડ ટ્રેડિંગના જે સપના જોવામાં આવ્યા હતા. તે હજી સુધી સાકાર થતાં દેખાતા નથી.
સુરત ડાયમંડ બુર્સ કમિટીના ચેરમેન અને લેબગ્રોન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ મેન્યુફેકચરર, બ્રોકર્સ અને એસોસિએશનના પ્રમુખ સાથે બેઠક મળી હતી જેમાં તમામ લોકોએ પોતાને પડતી મુશ્કેલીઓ અંગે સીધી રજૂઆત પણ કરી હતી. સુરત ડાયમંડ બુર્સ કમિટીના ચેરમેન દ્વારા તેમની સમસ્યાનો ઉકેલ લાવવા બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી અને ઉકેલ કેવી રીતે લાવી શકાય તે અંગ વિચારવિમર્શ કર્યો હતો.
શનિવારની બેઠકમાં થયેલી ચર્ચા અંગે સુરત ડાયમંડ બુર્સના પ્રેસિડેન્ટ અરવિંદ શાહે જણાવ્યું કે, તમામ મેન્યુફેકચરર ટ્રેડર્સને અમે વિનંતી કરી છે કે દશેરાના દિવસથી જ વેપાર શરૂ કરી દો. ઘણા બધાએ દશેરાના દિવસથી ટ્રેડિંગ શરૂ કરવા માટેની સહમતી બતાવી છે તો ઘણા ખરા એ દિવાળી બાદ પોતાની ઓફિસ શરૂ કરી દેવા માટેની વાત કરી છે.