Western Times News

Gujarati News

હીરા કંપનીએ કરી 15 ટકા પગાર કાપ અને બોનસ નહીં આપવાની જાહેરાતઃ રત્ન કલાકારો હડતાળ પર

સુરતમાં હીરાની કંપનીએ પગારમાં કાપ મૂકતા રત્નકલાકારોએ હડતાળ પાડી-બે વર્ષથી માંડ માંડ ગાડુ ગબડાવતા રત્ન કલાકારો કંપનીના કેમ્પસમાં હડતાળ ઉપર બેસી ગયા

સુરત, હીરા ઉદ્યોગની માઠી દશાએ રત્ન કલાકારોની હાલત દયનીય કરી છ. આવી સ્થિતિ વચ્ચે શનિવારે એશિયન સ્ટાર નામની હીરાની કંપનીમાં રત્ન કલાકારોને પગારમાં ૧પ ટકા કાપ અને બોનસ નહીં આપવાની જાહેરાત કરતા રત્ન કલાકારો અકળાયા હતા. કંપનીના સંકુલમાં જ હડતાળ ઉપર બેસી ગયા હતા.
હીરા ઉદ્યોગમાં મંદી ઘેરી બની છે.

કારખાનેદારો રત્નકલાકારોને પૂરતો પગાર પણ આપી શકતા નથી. દિવાળી સામે બોનસ આપવાની વાત તો દૂર રહી સુરતની એક ફેકટરીના માલિકે રત્ન કલાકારના પગારમાં ૧પ ટકાનો કાપ મૂકવાની જાહેરાત કરી હતી. તેના પગલે રત્ન કલાકારો વિફર્યા હતા. શનિવારે સવારે રત્નકલાકારો કામકાજ બંધ કરી ફેકટરીની બહાર હડતાળ પર બેસી ગયા હતા.

છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે હીરાની મંદી સૌથી માઠી અસર રત્ન કલાકારો પર પડી છે. ઘણા હીરાના કારખાનામાં કારીગરોને છૂટા કરી દેવાયા છે. ત્યારે દર વર્ષે સામી દિવાળીએ ચાલતા કેટલાક મોટા ગજાના કારખાનામાં હવે કારીગરો હડતાળ કરવા મજબૂર બન્યા છે. બોનસની વાત તો દૂર રહી ૧પ ટકા પગાર કાપની જાહેરાત થતાં જ સમસમી ગયેલા રત્નકલાકારોએ એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના કેમ્પસમાં જ વીજળીક હડતાળ પાડી છે.

એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા છે. દિવાળી બોનસના મામલે હડતાળ પર ઉતર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કંપની દ્વારા દિવાળી બોનસ નહીં આપવા અને ૧પ ટકા પગાર કાપની જાહેરાત કરવામાં આવી હતી જેનો કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

છેલ્લા ત્રણેક દિવસથી આ મુદ્દે વાટાઘાટો ચાલી રહી હતી. જો કે, કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી રત્ન કલાકારો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધ્યા છે, તેવું રત્નકલાકારોનું કહેવું છે.

રત્નકલાકારોએ વધુમાં કહ્યું કે, અમારે દિવાળીએ સારું થતું હોય છે. જો કે, આ વર્ષે તો અત્યાર સુધીનું જે બોનસ હોય તે પણ કાપી લેવાની વાત કરવામાં આવી છે. કંપનીના એચઆર તરફથી આજે બોનસ નહીં આપવાનું કહેવામાં આવ્યું હતું. એટલે અમે કારીગરો કામ ઉપર ચડયા નથી. તમામ કારીગરો એશિયન સ્ટાર કંપનીના ગ્રાઉન્ડમાં જ ઘરણા-હડતાળ પર બેઠા છીએ. અમારા પગાર અને બોનસ અમારો હક્ક છે તેના પર તરાપ મારવી યોગ્ય નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.