છકડાની છત પર બેસીને જોખમી મુસાફરી કરતા વિરપુરના વિદ્યાર્થીઓ
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લાના વિરપુર નગરમાં ખાનગી વાહનચાલકો ઘેટાબકરાની જેમ ઠાંસીઠોસીને મુસાફરો ભરી નીકળતા હોવા છતા તંત્ર ચુપકીદી સેવી રહ્યુ હોવાની ફરીયાદો ઉઠી છે વિરપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી શાળાએ જતા માસુમ વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરી રહ્યા છે છકડાની ઉપર અને અંદર વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરવામાં આવે છે.
ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરી ભારે હાલાકી ભોગવી રહ્યા છે જેના લીધે છકડા ચાલકો પણ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે ઘોર નિદ્વામાં ઉઘતો તંત્ર શું અકસ્માતની રાહ જોઇ રહ્યો છે વિરપુર ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી છકડામાં મોતની સવારી કરી રહ્યા છે જેમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જો કોઈ અપ્રિય ઘટના બનશે તો જવાબદાર કોણ તેવા પણ અનેક સવાલો ઉભા થયા છે.
તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં એસટી બસ ની સુવિધાના અભાવે વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા છે ચાલકો ટ્રાફિક નિયમોને નેવે મૂકીને ખાનગી વાહનો પોલીસની રહેમ નજર હેઠળ ઘમધમી રહ્યા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે તો બીજી તરફ એસ.ટી. બસ નિગમની પોલ ખોલી રહ્યા છે.
શાળાએ જવા માટે બસની સુવિધા સારી તેમજ સમયનસર ન હોવાને કારણે વિદ્યાર્થીઓ છકડામાં જવા મજબૂર બન્યા છે તો બીજી તરફ વિધાર્થીઓના માતા-પિતા સતત ચિંતામાં રહે છે કે તેમનું બાળક સુરક્ષિત શાળાએ પહોંચે અને શાળાએથી સુરક્ષિત રીતે ઘરે પાછું પણ આવશે જેના કારણે આવા વાહનો પલ્ટી જવાના, નાના-મોટા અકસ્માતો થવાનાં બનાવો બનતા રહે છે.
પોલીસતંત્ર આવા વાહન ચાલકો સામે મૌન કેમ છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.