ગાઝા, દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલનો આક્રમક બોમ્બમારોઃ ૧૯ લોકોનાં મોત
ગાઝા પટ્ટી, ઇઝરાયેલે હિઝબુલ્લાહનો ખાતમો કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે ત્યારે રવિવારે રાતે બૈરુતના વિસ્તારો હવાઇ હુમલાથી ધ્‰જી ઉઠ્યા હતા. ઇઝરાયેલે દક્ષિણ લેબેનોન અને ઉત્તર ગાઝામાં બોમ્બમારો વધારી દીધો હતો.
પેલેસ્ટાઇનના અધિકારીઓએ મસ્જિદ પરના હુમલામાં ૧૯ લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો હતો.હમાસે ઇઝરાયેલ પર કરેલા હુમલાને ૭ ઓક્ટોબરના રોજ એક વર્ષ પૂરું થયું છે ત્યારે ઇઝરાયેલે લેબેનોનમાં હિઝબુલ્લાહ સામે નવો મોરચો ખોલ્યો છે. ગાઝા સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી હિઝબુલ્લાહ ઇઝરાયેલ પર મિસાઇલ હુમલા કરતું હતું.
હવે બંને વચ્ચે ઘર્ષણ વકર્યું છે. દરમિયાન ઇઝરાયેલે હાઇફા શહેર પર હિઝબુલ્લાહના હુમલાની પુષ્ટિ કરી હતી. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે, તેણે નજીકના નેવી બેઝ પર મિસાઇલ હુમલાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે ઇરાને ઇઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઇલ્સથી હુમલો કર્યો હતો.
ત્યાર પછી ઇઝરાયેલે પણ વળતા હુમલાની ધમકી ઉચ્ચારી હતી. મામલો એટલી હદે વણસ્યો છે કે, અત્યાર સુધી ઇઝરાયેલને લશ્કરી અને રાજદ્વારી ટેકો આપતું અમેરિકા યુદ્ધમાં ઉતરવાનું જોખમ વધી ગયું છે.
ઇરાનનું પીઠબળ ધરાવતા સિરિયા, ઇરાક અને યમનમાં સક્રિય આતંકવાદી જૂથોએ પણ લાંબા અંતરની મિસાઇલ્સ દ્વારા ઇઝરાયેલ પર હુમલા કર્યા છે.હમાસના હુમલાનું એક વર્ષ પૂરું થયું છે ત્યારે ૭ ઓક્ટોબરે ઇઝરાયેલ હાઇ એલર્ટ પર હતું. ઇઝરાયેલે શનિવારે દક્ષિણના વિસ્તારોમાં ભારે બોમ્બમારો કર્યાના બીજા દિવસે રવિવારે રાતે બૈરુતનું આકાશ નવા હવાઇહુમલાથી ધણધણી ઉઠ્યું હતું.
જોકે, હુમલામાં થયેલી જાનહાનિ અંગે હજુ કોઇ માહિતી મળી નથી. ઇઝરાયેલે હિઝબુલ્લાહ પર હુમલાની પુષ્ટિ કરી હતી. લેબેનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇઝરાયેલના રવિવારે કરાયેલા અન્ય હુમલામાં બૈરુતના દક્ષિણ પૂર્વમાં આવેલા કમાટીયેહમાં છ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
જેમાં ત્રણ બાળકો પણ સામેલ હતા. લેબેનોનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, રવિવારે રાતે ૩૦થી વધુ હુમલા થયા હતા. જ્યારે ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે, લેબેનોનમાંથી ૧૩૦ રોકેટ્સ ઇઝરાયેલમાં પ્રવેશ્યા હતા. ઇઝરાયેલ સાથેના ઘર્ષણમાં નાગરિકો, આરોગ્યકર્મીઓ, હિઝબુલ્લાહના લડવૈયા સહિત લેબેનોનના ૧,૪૦૦ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ૧૨ લાખ લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળો તરફ ચાલ્યા ગયા છે.SS1MS