Western Times News

Gujarati News

લિવ ઇનમાં રહેતા લોકો વિરુદ્ધ દાખલ થઇ શકે છે દહેજ હત્યાનો કેસઃ અલ્હાબાદ હાઈકોર્ટ

અલ્હાબાદ, લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકો સામે દહેજ હત્યાનો કેસ નોંધાઈ શકે છે. અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. એક કેસમાં પોતાનો ચુકાદો આપતાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, પતિ-પત્નીની જેમ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકો પર દહેજ હત્યા અને દહેજ ઉત્પીડનનો કેસ નોંધી શકે છે.

કોર્ટે કહ્યું કે દહેજ હત્યાનો કેસ નોંધવા માટે કપલ્સનું પતિ-પત્નીની જેમ જીવવું પુરતું છે. આ આદેશ જસ્ટિસ રાજબીર સિંહે આદર્શ યાદવની અરજી ફગાવતા આપ્યો હતો.ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અરજદાર વિરુદ્ધ દહેજ હત્યા અને દહેજ ઉત્પીડનના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે લગ્ન માટે દહેજની માંગણીથી કંટાળીને પીડિતાએ આત્મહત્યા કરી હતી. પોલીસે દહેજ હત્યાના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી હતી, જેમાં તેણે ગુનામાંથી નિર્દોષ છોડવાની વિનંતી કરી હતી.

અરજદારે કહ્યું કે તે કાયદેસર રીતે પીડિતાનો પતિ નથી, તેથી તેની સામે દહેજ હત્યા અને દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરી શકાય નહીં. સરકારી વકીલે કહ્યું કે મૃતકના લગ્ન કોર્ટ મારફતે થયા હતા. અરજદાર મૃતકને દહેજ માટે હેરાન કરતો હતો, આથી પીડિતાએ આત્મહત્યા કરી હતી.

કોર્ટે કહ્યું કે માત્ર પતિ જ નહીં પરંતુ તેના સંબંધીઓ પર પણ દહેજ હત્યા માટેનો આરોપ લગાવી શકાય છે, ભલે એવું માની લેવામાં આવે કે મૃતક કાયદેસર રીતે પત્ની નથી. એવા પુરાવા છે કે તેઓ પતિ-પત્નીની જેમ એક સાથે રહેતા હતા, તેથી આ કેસમાં દહેજ હત્યાની જોગવાઈઓ લાગુ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.