વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪માં ગરબા અને સરસ મેળાનું બેવડું આકર્ષણ
નવરાત્રી દરમિયાન દિવાળીનું શોપિંગ કરી સ્વ સહાય જૂથોની બહેનોને મદદરૂપ થવાની શહેરીજનો પાસે તક
થીમ પેવેલિયનના ૨૨ સ્ટોલ્સમાં ગુજરાતના વિવિધ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના સખીમંડળો દ્વારા નિર્મિત ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ
અમદાવાદના નાગરિકો માટે ‘શક્તિની ભક્તિ’ એવા નવરાત્રીના તહેવારમાં ગરબાની સાથે દિવાળીની ખરીદીનો પણ સુખદ સમન્વય રચાયો છે. શહેરના હેલ્મેટ ચાર રસ્તા નજીક આવેલા ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪’માં ગરબાની રમઝટ સાથે ‘સરસ મેળા’ સ્વરૂપે વધુ એક આકર્ષણ ઉમેરાયું છે.
અહીં ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની દ્વારા ખાસ ‘થીમ પેવેલિયન’ ઉભું કરવામાં આવ્યું છે, જ્યાં રાજ્યભરમાંથી આવતા સ્વ સહાય જૂથો/ સખી મંડળની મહિલાઓ દ્વારા નિર્મિત કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.
તા. ૧૧/૧૦/૨૦૨૪ સુધી ચાલનાર આ સરસ મેળામાં કુલ ૨૨ સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે. જ્યાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના સખીમંડળો દ્વારા તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત મુલાકાતીઓ સરસ મેળાની યાદગીરી સાથે લઈ જઈ શકે તે માટે બે ખાસ ફોટો કોર્નર્સ પણ ઉભા કરવામાં આવ્યા છે. સરસ મેળાની ઓળખ સમુ “I Love Saras” ફોટોબૂથ ખાસ આકર્ષણ ધરાવે છે. હસ્તકલા અને વિવિધ માળખા સાથે પારંપારિક કાપડની સજાવટ સાથેના આ પેવેલિયનમાં ગુજરાત રાજ્યની કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. અહીં કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની દ્વારા હાથ ધરાતી વિવિધ કામગીરી તથા પોલિસી વિશે મુલાકાતીઓને માહિતી મળે તે માટે પેનલ ડીસ્પ્લે તથા એલઈડી સ્ક્રિન મુકવામાં આવી છે.
આધુનિક ઢબે ટચ સ્ક્રીન કિઓસ્ક થકી મુલાકાતીઓને વિવિધ ઉત્પાદનો અને સખી મંડળો તેમજ તેમના દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સ અંગેની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પેવિલિયન હસ્તકલા અને સ્થાપત્યો સાથે વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે, જે ગ્રામીણ ગુજરાતની સંસ્કૃતિ અને હસ્તકલા ઉદ્યોગોને વધુ ઉજાગર કરે છે.
આ આયોજનથી શહેરીજનો, ગ્રામીણ મહીલાઓ તથા કલામાં રસ ધરાવતા લોકોને એકબીજા સાથે રુબરુ થવા ઉપરાંત રોજગારી માટેની તક મળે છે. આ સરસ મેળાનું થીમ પેવિલિયન એ ગુજરાતની ઉત્કૃષ્ટ કલાવારસાની ઉજવણી સમું છે.