Western Times News

Gujarati News

બેન્ક સાથે ઠગાઈનો ખેલ ATMમાંથી કેશ નીકળે પણ ટ્રે સુધી પહોંચે નહિં

પ્રતિકાત્મક

ખાતામાંથી નાણાં કપાઈ ગયાના મેસેજ છતાં રોકડા નહીં મળ્યા હોવાની રજૂઆતો બાદ ખેલ પકડાયો

ગાંધીનગર, ઝડપથી નાણાં કમાઈ લેવા માટે બેંકો અને ખાતાધારકો સાથે ઠગાઈનો ખેલ કરનારા સતત અવનવા રસ્તા શોધ્યા કરે છે. ગાંધીનગરમાં આવેલી પંજાબ નેશનલ બેંકના એટીએમમાંથી કેશ નીકળતી હતી અને ત્યારબાદ ખાતા ધારકને નાણાં ઉપાડયાનો મેસેજ પણ આવતો હતો.

આમ છતાં રોકડ મળતી ન હતી એન બેંકના હિસાબમાં નાણાં વિડ્રો કરી લીધા હોવાનું બતાવતું હતું. આ પ્રકારની રજૂઆતો વધતા બેંક દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં બેંક અને ગ્રાહકની સાથે ઠગાઈનો નવો ખેલ પકડાયો હતો.

ગાંધીનગર સેકટર-૧૬ ખાતે આવેલી પંજાબ નેશનલ બેંકમાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન મીણાએ સેકટર-ર૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ તેઓ ર૪.૯.ર૦ર૪ના રોજ બેંકમાં હતા ત્યારે બેંંકના ગ્રાહક અમિત ઠાકોર મળવા આવ્યા હતા.

અમિતે જણાવ્યું હતું કે., તેમણે ૧૪.૯.ર૦ર૪ના રોજ પંજાબ નેશનલ બેંકની શાખાના આગળના ભાગે મુકેલા એટીએમમાં કાર્ડ નાખીને રૂ.પ,૩૦૦ ઉપાડયા હતા. આ નાણા ડેબિટ થયાનો મેસેજ મોબાઈલ પર આવ્યો હતો, પરંતુ નાણાં નીકળ્યા ન હતા. ખાતામાં પૈસા પાછા આવી જશે તેવું વિચારી અમિત જતા રહ્યા હતા.

ફરિયાદીએ એટીએમમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં એક ઈસમ એટીએમ રૂમમાં પ્રવેશ કરી એટીએમમાંથી કાળા રંગની ટ્રે કાઢી મશીનમાંથી ગ્રાહકોના નાણાં મેળવી પલાયન થઈ જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ ૩૦-૯-ર૪ના રોજ દિવ્યાંગ રાજેશકુમાર મહેતા નામના વ્યક્તિ આવ્યા હતા. ર૮.૯.ર૪ના રોજ તેમના પિતા એટીએમમાં નાણાં ઉપાડવા આવ્યા હતા

તેમના ખાતામાંથી રૂ.ર૦,૦૦૦ કપાઈ જવાનો મેસેજ આવ્યો હતો, પરંતુ નાણાં મળ્યા ન હતા. આ નાણાં ખાતામાં જમા પણ થયા ન હતા. જેથી ફરિયાદીએ ફરી સીસીટીવી ચેક કર્યા હતા જેમાં અગાઉ ૧૪.૯.ર૦ર૪ના રોજ આવેલો ઈસમ ફરીથી કાળા રંગની પ્લેટ કાઢી નાણાં ઉપાડી જતો જોવા મળ્યો હતો. આ રીતે અન્ય ગ્રાહકોના રૂ.પ,૦૦૦ તથા ૯,પ૦૦ પણ તે ઈસમે ઉપાડી લીધા હતા.

૧૪.૯.ર૪ થી ર૮.૯.ર૦ર૪ દરમિયાન અજાણ્યા ઈસમે કાળા રંગની ટ્રે બેંકના એટીએમમાં લગાવી હતી અને તે ટ્રે કાઢીને ગ્રાહકોના ઉપાડેલા નાણાં રૂ.૩૯,૮૦૦ની ચોરી કરી હતી.

આ મામલે અજાણ્યા ઈસમ સામે સેકટર-ર૧ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને સીસીટીવી કુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આશ્ચર્યની વાત એ છે કે અમિતે ર૪મી તારીખે નાણાં કપાઈ ગયા હોવા છતાં નહીં મળ્યાની રજૂઆત કરી તે સમયે સીસીસીટીવી કૂટેજમાં ટ્રે મુકીને નાણાં ચોરી લેવાની હરકત અંગે જાણ થઈ હતી.

બેંક દ્વારા આ મામલે તકેદારી રખાઈ હોત તો કદાચ ફરી વખત આવી ઘટના અટકી શકાત. પોલીસ ફરિયાદ નોંધાવવામાં વિલંબ ન થયો હોત તો કદાચ બીજી વખત ટ્રે કાઢવા માટે ગઠિયો આવ્યો ત્યારે ઝડપાઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.