હરિયાણામાં અમે હાર્યા નથી, પરિણામ સ્વીકાર્ય નથીઃ કોંગ્રેસ
નવી દિલ્હી, હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોનો કોંગ્રેસે અસ્વીકાર કર્યાે છે. કોંગ્રેસ મહામંત્રી જયરામ રમેશે કહ્યું કે, અમને પરિણામ સ્વીકાર્ય નથી.
અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા પવન ખેરાએ પણ તેમના સૂરમાં સૂર પૂરાવીને ઉમેર્યું કે હરિયાણાના પરિણામ ચોંકાવનારા છે. જયરામ રમેશે કહ્યું કે હરિયાણાના ચૂંટણી પરિણામ સંપૂર્ણ રીતે અનપેક્ષિત અને આશ્ચર્યજનક છે.
આ જમીની હકીકતથી બિલકુલ વિપરીત છે. આ હરિયાણાના લોકોના વિચારની વિરુદ્ધના છે. મને લાગે છે કે આ પરિસ્થિતિઓમાં પરિણામો સ્વીકારવા અમારા માટે શક્ય નથી. અમને ઓછામાં ત્રણ જિલ્લાઓમાં મતગણતરી પ્રક્રિયા અને ઈવીએમની કાર્યપ્રણાલી પર ખૂબ ગંભીર ફરિયાદો મળી છે.
તેમણે ઉમેર્યું કે, અમે હરિયાણામાં અમારા વરિષ્ઠ સહયોગીઓ સાથે વાતચીત કરી છે અને આ અંગેની જાણકારી આપી છે. અમે તેને આવતીકાલે કે પછીના દિવસે ફરિયાદોની વિગતો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરીશું.
કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે મતગણતરીના અપડેટમાં કથિત વિલંબ થઈ રહ્યો હોવાના આક્ષેપોને ફગાવી દીધા છે. આ સાથે ચૂંટણી પંચે કહ્યું કે, જયરામ રમેશે કરેલા આરોપ આધારવિહોણા છે. આરોપના સમર્થનમાં કોઈ તથ્યાત્મક દસ્તાવેજ કે પુરાવા રજૂ કર્યા નથી.
વોટોની ગણતરી નક્કી કરાયેલા મતગણતરી કેન્દ્રો પર અને નિયુક્ત અધિકારીઓ દ્વારા ચૂંટણી આચારસંહિતાના નિયમ-૬૦ અનુસાર તમામ નિયમોનું પાલન કરીને કરવામાં આવી રહી છે.SS1MS