રાવણ જેવા વિલનને પરાજય આપવા સિંઘમ સેનાની આગેકૂચ
મુંબઈ, રોહિત શેટ્ટીએ ‘સિંઘમ અગેઈન’ સાથે ભવ્ય કોપ યુનિવર્સ તૈયાર કરી દીધું છે. આ ફિલ્મને રામાયણના પાત્રો અને ઘટનાથી પ્રેરિત રાખવાની સાથે દેશી એવેન્જર્સ જેવો અનુભવ કરાવવા પ્રયાસ થયો છે. સોમવારે ‘સિંઘમ અગેઈન’નું ટ્રેલર લોન્ચ થયું હતું,
જેને ભારતીય ફિલ્મ જગતનું સૌથી લાંબું ટ્રેલર માનવામાં આવે છે. આ ટ્રેલરમાં સિંઘમ અને તેના સાથીદારોએ ભેગા થઈને રાવણ જેવા શક્તિશાળી અને ખૂંખાર વિલનનો સામનો કરવા માટે કૂચ કરી હોવાનું જોવા મળે છે. ‘સિંઘમ અગેઈન’નું ટ્રેલર ૪ મિનિટ ૫૮ સેકન્ડનું છે, જેમાં રોહિત શેટ્ટીના વિશાળ કોપ યુનિવર્સની ઝલક અપાઈ છે.
ટ્રેલરની શરૂઆતમાં બાજીરાવ સિંઘમ અને અવની ભગવાન શ્રી રામે સીતા માતાને બચાવવા કરેલા પ્રયાસોની વાત કરે છે. આ સંવાદ પછી તરત જ અવની (કરીના કપૂર ખાન) કિડનેપ થઈ હોવાનું બતાવાય છે. જેના પગલે બાજીરાવ સિંઘમ અવનીને બચાવવાનું મિશન શરૂ કરે છે.
આ મિશનમાં એક પછી એક યોદ્ધાઓ જોડાય છે અને લંકામાં રહેતા વિલનને હરાવવા ભેગા થાય છે. તેના મુખ્ય પાત્રો દેશી એવેન્જર્સ જેવા લાગે છે. ટ્રેલરની સાથે જ દિવાળી પર ફિલ્મની રિલીઝનું એલાન કરાયું છે. રોહિત શેટ્ટીએ આ વખતે કોપ યુનિવર્સને રામાયણ સાથે કનેક્ટ કર્યું હોવાની ચર્ચા પણ થઈ રહી છે..
અજય દેવગન ભગવાન રામ અને કરીના કપૂર ખાન સીતા માતા જેવા કેરેક્ટરમાં છે. રણવીર સિંહે ભગવાન હનુમાન જેવો રોલ કર્યાે છે. અક્ષય કુમાર જટાયુ બન્યા છે, જે હેલિકોપ્ટરથી એન્ટ્રી કરે છે. ટાઈગર શ્રોફને શ્રી લક્ષ્મણ જેવો આજ્ઞાંકિત અને પરાક્રમી બતાવાયો છે.
દીપિકા પાદુકોણ સુગ્રીવના રૂપમાં જોવા મળશે. આ તમામ ભેગા થઈ રાવણ બનેલા અર્જુન કપૂર સામે લડાઈ કરવાના છે. ટ્રેલરમાં રણવીર સિંહ અને અક્ષય કુમારની મસ્તી તથા દીપિકા પાદુકોણની એન્ટ્રીના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. દરેક કેરેક્ટરની પ્રભાવશાળી ઝલક આપી શકાય તે માટે રોહિત શેટ્ટીએ ટ્રેલરની સમય મર્યાદા પર નિયંત્રણ આપવા પ્રયાસ કર્યાે નથી.
ફિલ્મમાં એક્શન અને સ્ટન્ટની સાથે ઈમોશનની ભરમાર છે. આ ટ્રેલર રિલીઝ થતાં જ અનેક એક્ટર્સ વખાણ કરવા લાગ્યાં છે. કેટરિના કૈફ, વિકી કૌશલ, જાન્હવી કપૂર, ભૂમિ પેડનેકર, મૃણાલ ઠાકુર, આલિયા ભટ્ટ સહિત અનેક સેલિબ્રિટીઝે તેને રી-શેર કરીને સોશિયલ મીડિયા પર વાઈરલ બનાવ્યું છે.SS1MS