ડિસેમ્બર ૨૦૨૮ સુધી ગરીબોને મફત અનાજ મળતું રહેશે
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે બુધવારે (૯ ઓક્ટોબર ૨૦૨૪) ઘણી યોજનાઓને લીલી ઝંડી આપી દીધી છે. કેબિનેટે જુલાઈ ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૮ સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને અન્ય કલ્યાણ યોજનાઓ હેઠળ મફત ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે તેનો સમગ્ર ખર્ચ ૧૭,૦૮૨ કરોડ રૂપિયા હશે, જે કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે કહ્યું કે સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને પોષણ સુરક્ષા વધારવાનો છે.
એપ્રિલ ૨૦૨૨માં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ એ માર્ચ ૨૦૨૪ સુધીમાં તબક્કાવાર રીતે સમગ્ર દેશમાં ચોખાની ફ્રોર્ટિફિકેશન પહેલને લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધીમાં તેને ત્રણ તબક્કામાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે. તેમણે કહ્યું કે ગરીબોને મફત ફોર્ટિફાઇડ ચોખાના સપ્લાયથી એનિમિયા અને સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ ઓછી થશે.
કેબિનેટે રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં રસ્તાઓને પણ મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં ૨,૨૮૦ કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવશે, જેના માટે ૪,૪૦૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
આ સિવાય કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેનો ઉદ્દેશ સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસો પ્રદર્શિત કરવાનો અને વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ હેરિટેજ સંકુલનું નિર્માણ કરવાનો છે.