Western Times News

Gujarati News

ભૂખી ખાડીની અંદર આવેલું મંદિર આખું ડૂબી જાય છે છતાં પણ આજદિન સુધી એ મંદિર ખસ્યું નથી

ભરૂચથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલ કેલોદ ગામ નજીક આવેલ પૂલવાડી મેલડી માતાનું મંદિર ભક્તો માટે છે આસ્થાનું કેન્દ્ર-આસો નવરાત્રીમાં ભક્તો કરે છે દર્શન, ભૂખી ખાડી નજીકની માતાજીની ડેરી પણ ભક્તો માટે છે આસ્થાનું કેન્દ્ર

(પ્રતિનિધિ) ભરૂચ, કહેવાય છે કે જ્યાં આસ્થા હોય ત્યાં શ્રદ્ધા હોય જ છે ભરૂચથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલ કેલોદ ગામ નજીકનું ફૂલવાડી મેલડી માતાનું મંદિર સમગ્ર ગુજરાતના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે આસો નવરાત્રિમાં પાટોત્સવને લઈ મંદિરને વિશેષ શણગાર કરવા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોડી રાત સુધી ભક્તો પણ દર્શન અર્થે ઉમટીયા હતા.

ભરૂચ બાયપાસ ચોકડીથી આમોદ જંબુસર તરફ જવાના રોડ ઉપર ૩૦ કીમીના અંતરે રોડ ઉપર જ કેલોદ ગામ નજીક ભૂખ ખાડીની બરાબર બાજુમાં પૂલવાડી મેલડી માતાનું મંદિર આવેલું છે અને આ મંદિર માત્ર રવિવાર અને મંગળવારે જ ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવે છે

અને બે દિવસ ભક્તો ગુજરાત ભરમાંથી માતાજીના દર્શન કરવા સાથે પોતાની બાધા પૂર્ણ કરવા માટે આવતા હોય છે પરંતુ આ મંદિરનું મહત્વ આસો નવરાત્રિમાં પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે અને આ મંદિરની સ્થાપના પણ આસો નવરાત્રી દરમિયાન જ થઈ હતી આસો નવરાત્રીમાં મંદિર નો પાટોત્સવ મનાવવામાં આવે છે.

આસો નવરાત્રીના છઠ્ઠા નોરતે પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે મંદિરને વિશેષ ફૂલોનો શણગાર કરવા સાથે માતાજીને પણ શણગાર કરવામાં આવ્યો હતો અને આ મંદિરે પાટોત્સવને લઈને વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મંદિરનું નવનિર્માણ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે આ મંદિરની બાજુમાંથી જ એક ભુખી ખાડી પણ પસાર થાય છે

અને ભૂખી ખાડી નજીક ફૂલવાડી મેલડી માતાનું એક નાનકડું મંદિર એટલે ડેરી આવેલી છે અને આ ડેરીમાં પણ હજારો ભક્તોની શ્રદ્ધા રહી છે અને એવું પણ માનવામાં આવે છે કે આ ભૂખી ખાડી ભરપૂર થાય અને મંદિર ગરકાવ થાય તો પણ આજદિન સુધી ભૂખી ખાડીમાં રહેલું મંદિર આખું ડૂબી જાય છે છતાં પણ આજદિન સુધી એ મંદિર અહીંથી ખસ્યું નથી અને એટલા માટે જ ભક્તોની પણ આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે.

કેલોદ નજીકના ફૂલવાડી મેલડી માતાના મંદિરે માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત ભરમાંથી ભક્તો દર્શન અર્થે આવે છે અને સૌથી વધારે દક્ષિણ ગુજરાત તરફના ભક્તો પૂલવાડી મેલડી માતાની ભક્તિમાં મગ્ન બને છે હજારો ભક્તો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે અને એટલા માટે જ આ મંદિર માત્ર રવિવાર અને મંગળવારે ખુલ્લું રહેતા હજારો ભક્તો દર્શન અર્થે ઉમટે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.