હરિયાણાના પરિણામ અંગે કોંગ્રેસના નિવેદનથી ચૂંટણી પંચ નારાજ
નવી દિલ્હી, ચૂંટણી પંચે હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસે મતગણતરીમાં વિલંબ થવાના આરોપો મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કડક શબ્દોમાં પત્ર લખ્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડા અને જયરામ રમેશે હરિયાણાના ચૂંટણી પરિણામને અસ્વીકાર્ય ગણાવ્યા હતા.
જેની સામે ચૂંટણી પંચ નારાજ થયું હતું. કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે મતગણતરીમાં વિલંબનો તો આરોપ મૂક્યો જ હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે, “કેટલાક ઉમેદવારોએ ફરિયાદ કરી હતી કે, જે ઇવીએમની બેટરી ૯૯ ટકા ચાર્જ હતી ત્યાં પક્ષની હાર થઈ હતી.
જ્યારે ૬૦-૭૦ ટકા ચાર્જ થયેલા ઇવીએમમાં કોંગ્રેસની જીત થઈ હતી.”ચૂંટણી પંચે ખડગેને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “આવું અભૂતપૂર્વ નિવેદન દેશની લોકશાહીના ઇતિહાસમાં ક્યારેય સાંભળવા મળ્યું નથી. આ લોકોએ મતદાન દ્વારા કાનૂની રીતે દર્શાવેલી ઇચ્છાનું અપમાન છે.” પંચે જણાવ્યું હતું કે, “હરિયાણા ચૂંટણીના પરિણામ અપડેટ કરવામાં વિલંબના નિરાધાર આરોપો સાબિત કરવા કોઇ પુરાવા નથી.”
પંચે કોંગ્રેસના આરોપોને બેજવાબદાર, તથ્યહીન અને દુર્ભાવનાયુક્ત જણાવ્યા હતા. કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે, ચૂંટણી પંચે ઇરાદાપૂર્વક પરિણામમાં વિલંબ કર્યો અને ખોટા સમાચારને ફેલાવા દીધા હતા. ઉલ્લેખનીય છે કે, મતગણતરીના દિવસે ચૂંટણી પંચે કહ્યું હતું કે, “મતગણતરી ચૂંટણી સંચાલનના નિયમ ૬૦ અનુસાર કરવામાં આવી રહી છે.
સંબંધિત અધિકારીઓ દ્વારા કાનૂની અને નિયામક વ્યવસ્થાનું પાલન થઇ રહ્યું છે.”હરિયાણામાં આંચકાજનક હાર પછી કોંગ્રેસે ફરી ઇવીએમનું ગાણું ગાવાનું શરૂ કરી દીધું છે. પક્ષે બુધવારે અમુક ઇલેક્ટ્રોનિક વોટિંગ મશિન્સ (ઇવીએમ)માં ખામી હોવાની ફરિયાદ કરી હતી એ આવા ઇવીએમને સીલ કરી તપાસ કરવા જણાવ્યું હતું. કોંગ્રેસના નેતાઓનું પ્રતિનિધી મંડળ બુધવારે ચૂંટણી પંચને મળ્યું હતું.
જેમાં ભુપિંદરસિંહ હુડા, અશોક ગહેલોત, એઆઇસીસીના નેતાઓ કે સી વેણુગોપાલ, જયરામ રમેશ, અજય માકન અને પવન ખેડા હાજર હતા. પ્રતિનિધી મંડળે હરિયાણાના વિવિધ મતવિસ્તારોની ફરિયાદો સાથે ચૂંટણી પંચના અધિકારીઓને મેમોરેન્ડમ સુપરત કર્યું હતું.
પક્ષના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી મીટિંગમાં ઓનલાઇન જોડાયા હતા. કોંગ્રેસ નેતાઓએ ઇવીએમ સંબંધી ૨૦ ફરિયાદ થઇ હોવાનો આરોપ મૂક્યો હતો.SS1MS