અનન્યા પાંડેની યૂથને સલાહ સોશિયલ મીડિયાથી સાવધ રહો
મુંબઈ, અનન્યા પાંડેએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક જેનઝી આઇકોન તરીકે પોતાનું એક સ્થાન બનાવી લીધું છે. સાથે જ તે પોતાના સોશિયલ મીડિયા દ્વારા વિવિધ ઇશ્યુ પર ખુલીને પોતાના વિચારો પણ વ્યક્ત કરતી રહી છે. પછી તે સોશિયલ મીડિયાના ખતરાની વાત હોય કે પછી ડેટા લીકનો ડર હોય, તે અભિનય સાથે યૂથનો અવાજ પણ બનતી રહી છે. જે પોતાના કામ દ્વારા અવેરનેસ લાવવામાં માને છે.
અર્જુન વરેન સિંઘની ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં અનન્યાએ એક એવી યુવતીનો રોલ કર્યો છે જે પોતાના બોયફ્રેન્ડથી પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જેટલી જ એડિક્ટેડ હોય છે. તાજેતરમાં આવેલી તેની વૅબ સિરીઝ ‘કોલ મી બૅ’માં તેણે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સરનો રોલ કર્યો છે, જે પાછળથી એક જર્નાલિસ્ટ બને છે અને ડેટા લીક રૅકેટ સામે લડે છે.
તેની છેલ્લે આવેલી ઓટીટી ફિલ્મ ‘સીટીઆરએલ’માં તે એક એવી કન્ટેન્ટ ક્રિએટરનો રોલ કરે છે જે પોતાના એક્સ બોયફ્રેન્ડને પોતાની યાદોમાંથી દૂર કરવા માટે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલનો ઉપયોગ કરે છે અને એઆઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવે એવું તે ઇચ્છે છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અનન્યાએ કહ્યુંહતું કે તે ઘણી વખત એમ જ કારણ વિના ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતી હોય છે, પરંતુ સીટીઆરએલના અનુભવે તેને વધુ વિચારપૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી કરી દીધી છે.
તેણે ડિજિટલ માધ્યમો અંગે જાગૃતિના મહત્વ વિશે ખાસ વાત કરી હતી, ખાસ કરીને તેણે વિવિધ એપ્લિકેશન દ્વારા લેવામાં આવતી પરમિશન અને કૂકીઝ પોલિસી અંગે ધ્યાન રાખવા કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે તે હજુ પણ આ બધામાં જોઈએ તેટલું ધ્યાન રાખી શકતી નથી પરંતુ તે કાળજીપૂર્વક ઉપયોગ ચોક્કસ કરે છે. તેણે યુવાનોને સલાહ આપતાં સ્વીકાર્યું હતું કે હું પણ જેટલી સલાહ આપું છું એટલું ફોલો કરી શકતી નથી, પરંતુ હું ધ્યાન રાખવાની કોશિશ કરું છું.
અનન્યાએ કેટલીક ટિપ્સ પણ શેર કરી હતી. તેણે કહ્યું હતું કે દરેક અકાઉન્ટ માટે ડબલ પાસવર્ડની સુરક્ષા હોવી જરૂરી છે, અજાણી એપ કે વ્યક્તિ કે સાઇટ પરથી મળતી કોઈ પણ લિંક પર ક્લિક કરવું જોઈએ નહીં. તમે ઓળખતા કે જાણાતા હોય તેવા સોર્સમાંથી આવેલી લિંક જ ખોલવી જોઈએ.