મા દુર્ગા જેવા તમામ ગુણ સ્ત્રીમાં હોય છેઃ રાઇમા સેન
મુંબઈ, રાઇમા સેન કામના કારણે બે વર્ષના બ્રેક પછી નવરાત્રિ દરમિયાન દુર્ગા પૂજાની ઉજવણી માટે કોલકાતા પાછી ફરી છે. જેમ ગુજરાતીઓ માટે નવરાત્રિ અને ગરબાનું અનોખું મહત્વ છે, તેમ જ બંગાળીઓ માટે દુર્ગાપૂજા મહત્વની છે. આ અંગે વાત કરતાં રાઇમા સેને જણાવ્યું હતું,“આ ધાર્મિક બાબતથી પણ ઉપર છે, બંગાળીઓ દુર્ગાપૂજા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલાં છે.
આ પર્વ નારીશક્તિની ઉજવણી સમાન છે અને દરેક સ્ત્રીમાં મા દુર્ગા જેવા ગુણ હોય છે. યુનેસ્કો દ્વારા પણ તેને માન્યતા મળી ગઈ છે, ત્યારે એની વિશ્વકક્ષાએ નોંધ લેવાઈ ગણાય. તેની સાથે અનેક લાગણીઓ અને ભાવનાઓ સંકળાયેલી છે, બંગાળીઓ માટે તે ક્રિસમસ જેવો તહેવાર છે. એ અમારું ગૌરવ પણ છે.”
એક સ્ત્રીમાં મા દુર્ગાની શક્તિનું દર્શન થાય છે, તે અંગે રાઈમાએ કહ્યું,“આપણે એક સ્ત્રી તરીકે જે ગુણો ધરાવીએ છીએ એ બધાં જ મા દુર્ગાના ગુણો છે –તાકાત, શક્તિ, ધીરજ, માતૃત્વ અને સુરક્ષા. એ આપણી અંદર રહેલાં છે, આપણી દરેકની અંદર એ શક્તિ રહેલી છે.
તેથી આ તહેવાર સ્ત્રીત્વનો પણ તહેવાર છે.”રાઇમાએ પોતાની દાદીના ઘરમાં નાની ઉંમરમાં તેની બહેન રીયા સેન સાથે માણેલી નવરાત્રિની યાદો તાજી કરતાં કહ્યું,“અમે મૂર્તિ લાવતા અને શણગારતાં હતા અને અમારાં સમગ્ર પરિવાર સાથે પંગતમાં બેસીને કેળના પાન પર ભોજન કરતાં હતાં.
અમે સાડીઓ પહેરતાં અને મિત્રોને ઘેર જતાં હતાં અને સાથે મળીને નૃત્ય કરતાં હતાં. રીયા અને હું શું પહેરવું એ વિશે બહુ ચોક્કસ હતાં અને અમે મારી મા પાસે અમારા માટે એક સરખાં કપડાં લેવડાવતાં હતાં. અમારા માટે આ વર્ષનો સૌથી શ્રેષ્ઠ અને મજા કરવાનો સમય હતો.
પરંતુ હવે મને મારી મા અને દાદીની સાડીઓ અને ઘરેણાં પહેરવાં ગમે છે.”રાઇમાએ કહ્યું કે તેના દાદીના ૨૦૧૪માં અવસાન બાદ હવે તેના ઘરની ઉજવણી પણ બદલાઈ ગઈ છે. “હવે અમે ઘરમાં બહુ ઉજવણી કરતાં નથી પણ મારી બહેન મુંબઈથી આવે છે, અમે પરિવાર સાથે સમય વિતાવીએ છીએ. હવે વિદેશથી પણ ઘણા લોકો દુર્ગા પૂજા માણવા કોલકાતા આવે છે.
હવે બંગાળી નથી એવા લોકોને પણ આ તહેવારનો અનુભવ કરવો ગમે છે.”કોલકાતાની ઉજવણીના અનોખા માહોલ વિશે રાઇમાએ ઉત્સાહપૂર્વક જણાવ્યું,“તમને જાણે બધાં જ લોકો રસ્તા પર છે એવું લાગશે, બધાં જ તૈયાર થશે, ખરીદી કરશે અને બહુ જ ટ્રાફિક હશે.
સમગ્ર માહોલ જ અલગ હોય છે. પરંતુ હવે માહોલ બદલાયો છે અને અમે મા દુર્ગા આવ્યા છે, તો ન્યાય પણ મળશે એવું માનીએ છીએ, આપણે સ્ત્રીઓની આશીર્વાદ અને સુરક્ષા માટે પ્રાર્થના કરવી પડશે.”SS1MS