ઓમર અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા
(એજન્સી)જમ્મુ, જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ, નેશનલ કોન્ફરન્સે, આજે ગુરુવારે સર્વસંમતિથી ઓમર અબ્દુલ્લાને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા હતા.
ઓમર અબ્દુલ્લા ટૂંક સમયમાં રાજભવન જશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ૯૫ સભ્ય સંખ્યા ધરાવતી જમ્મુ કાશ્મીર વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સે ૪૨ બેઠકો જીતી છે અને ૪ અપક્ષ સભ્યોએ ટેકો જાહેર કર્યો છે. જ્યારે નેશનલ કોન્ફરન્સના સહયોગી પક્ષ એવા કોંગ્રેસે આ ચૂંટણીમાં છ બેઠકો જીતી છે, જ્યારે તેના અન્ય સહયોગીએ એક બેઠક જીતી છે.
આમ નેશનલ કોન્ફરન્સને કુલ ૫૩ ધારાસભ્યોનો ટેકો પ્રાપ્ત છે. જો કે નેશનલ કોન્ફરન્સ પાસે વિધાનસભામાં બહુમતી છે, પરંતુ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, તેઓ કોંગ્રેસના સમર્થન પત્રની રાહ જોઈ રહ્યા છે અને તે પછી તેઓ રાજભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ગુરુવારે નેશનલ કોન્ફરન્સ વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા હાજર હતા.