Western Times News

Gujarati News

વીજ કચેરીમાં હંગામો મચાવનાર કોંગ્રેસના મહિલા કોર્પોરેટર સામે ગુનો નોંધાયો (જૂઓ વિડીયો)

PGVCLના નાયબ ઈજનેરની ફરિયાદના આધારે ફરજમાં રૂકાવટ, એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે

કોંગ્રેસ કોર્પોરેટર રચના નંદાણીયા સામે PGVCLના નાયબ ઈજનેરે ફરિયાદ નોંધાવી

જામનગર ,  જામનગર શહેરમાં ટોપ ઓફ ધ ટાઉન બનેલા કોર્પોરેટરના પીજીવીસીએલની કચેરીમાં હંગામો થયો હતો. આ પ્રકરણમાં સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કોંગ્રેસ કોર્પોરેટર રચના નંદાણીયા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીજીવીસીએલના નાયબ ઈજનેરની ફરિયાદના આધારે ફરજમાં રૂકાવટ, એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

જામનગરના વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચના નંદાણીયા (Jamnagar Rachna Nandania Congress corporator) દ્વારા પોતાને વધુ વીજ બિલ આવવાના મુદ્દે ગુરૂવારે સવારે વીજ તંત્રની કચેરીમાં દંડા સાથે જઈને હંગામો મચાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, તેમજ સમગ્ર કચેરીમાં વાતાવરણ તંગ બન્યું હતું.

આખરે આ મામલો મોડી સાંજે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો અને સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનની કચેરીના નાયબ ઈજનેર અજય પરમારની ફરિયાદના આધારે રચના નંદાણીયા સામે જૂ૫દી-જૂદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કોર્પોરેટર રચના નંદાણીયા સામે બી.એન.એસ.ની કલમ ૧૯૨, ૩૫૩(૧), ૨૨૪, ૨૨૬, ૩૫૧(૨), ૩૨૪(૨), ૨૨૧, ૩૦૯(૪) તથા એટ્રોસિટી એક્ટની કલમ ૩(૧)(આર), ૩(૨)(૫), ૩(૨)(૫)(એ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર, રચના નંદાણીયાએ મીડિયા ગ્રુપમાં મેસેજ કરી પોતે જી.ઈ.બીમાં સાહેબોને દંડો લઈને મારવા જતા તેમજ અન્ય કોઈને આવવું હોય તેને આવે તેને આવવાની વાત કરી હતી.

પોલીસ ફરિયાદ મુજબ, રચના નંદાણીયાએ પોતાના મોબાઈલ ફોનમાં ફેસબૂકમા ઓનલાઈન થઈ મિડીયા કર્મચારીઓ તથા પોતાની સાથેના કિશનભાઈ નામના વ્યક્તિને સાથે લઈ પોતાના હાથમાં લાકડી લઈ પી.જી.વી.સી.એલમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા એ. કે પરમાર કે જેઓ પી.જી.વી.સી.એલમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતાં. ફરિયાદમાં લખાવેલા આોપ મુજબ, ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા છતાં ઓફિસના ચેમ્બરમાં જબરદસ્તી પ્રવેશ કરી, અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી.

ઉપરાંત લાકડી ઉગામી માર મારવાની ધમકી પણ આપી હતી. કોર્પોરેટરે અધિકારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી પાસે પડેલો આશરે ૧૦ હજાર રૂપિયાનો ફોન ઝૂંટવી લૂંટ ચલાવી હતી. ત્યારબાદ આ ફોનનો ઘા કરી તેને પછાડી નુકસાન કર્યું હતું. તેમજ જો પોલીસમાં ફરિયાદ કરશો તો જોઈ લઈશ તેવી ધમકી પણ આપી હતી. ફરિયાદમાં નોંધાવ્યું કે,

આ દરમિયાન ફેસબુકના માધ્યમથી લોકોને દારૂ વેચવા, ડ્રગ્સ વેચવા તેમજ બે નંબરના કામ કરવા ગેરમાર્ગે દોરી જી.ઈ.બીના સ્માર્ટ મીટરો લગાડી વધારે બિલ આવવાનો આરોપી લગાવી ડિપાર્ટમેન્ટ વિરૂદ્ધ ઉશ્કેરણી કરી હતી. આટલું જ નહીં, પોતે આત્મહત્યા કરી લેવાની ધમકી આપી તેમજ સ્ટાફના કર્મચારીઓને ગુનાહિત બળ વાપરી કામ કરતાં અટકાવ્યા હતાં. જામનગરના ડી.વાય.એસ.પી વીરેન્દ્ર સિંહ ઝાલાને આ વિશે તપાસ સોંપવામાં આવી છે.

વીજ તંત્રમાં રચનાના હોબાળા બાદ તેમના સમર્થકોનું ટોળું પણ પોલીસ મથકે પહોંચી આવ્યું હતું. જામનગરની પીજીવીસીએલની કચેરીમાં રચના નંદાણીયા દ્વારા વીજ બિલ વધુ આવવવાના મુદ્દે રોષ ઠાલવવાના પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે વીજ તંત્રના જુદા જુદા યુનિયન સાથેની મોટી ટુકડી સિટી બી. ડિવિઝન પોલીસમાં પહોંચી હતી. જ્યાં રાતના લગભગ ૧૦ઃ૩૦ વાગ્યા સુધી તમામ અધિકારીઓ રોકાયા હતાં.

આ સાથે જ વોર્ડ નંબર ચારના કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા કે જેમણે જાતે સરેન્ડર કર્યું હતું અને પોલીસ જીપમાં બેસીને સિટી બી ડિવિઝન મથકમાં પહોંચ્યા હતાં. નંદાણીયાને મોડી રાત સુધી સિટી બી. ડિવીઝનના પોલીસ મથકમાં બેસાડવામાં આવ્યા હતાં. જેના કારણે તેમના સમર્થકોનું ટોળું મોડી રાત્રે પોલીસ સ્ટેશન પણ પહોંચી ગયું હતું. જોકે, મોડેથી રચના નંદાણીયાને નોટિસ પાઠવીને ઘરે મોકલી દેવાયા હતાં અને આખરે સમગ્ર મામલો થાળે પડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.