Western Times News

Gujarati News

દશેરાથી ઉત્તરાયણ સુધી ચાલશે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ

આ ફેસ્ટિવલ ચાર મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિકટ – સિંધુ ભવન રોડ, સીજી રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાંકરિયા રામબાગ રોડ

(એજન્સી) અમદાવાદ, લાખો અમદાવાદીઓ આંતરરાષ્ટ્રીય સ્તરના જે શોપિંગ ફેસ્ટિવલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્‌ઘાટન થશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૧૯માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશની ધરતી પર જે પ્રકારે લાર્જ સ્કેલ પર શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે તેવા ભવ્ય શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજય સરકારના સહયોગથી યોજાનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ર૦ર૪-રપનો લોગો, ટીઝર અને વેબસાઈટ ગઈકાલે સહકાર રાજયપ્રધાન જગદીશ વિશ્વકર્માના હસ્તે લોન્ચ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ઉદ્દેશ ખરીદીના શોખીન માટે એક મુખ્ય શોપિંગ ડેસ્ટિનેશન પુરું પાડવાનો છે. આ ફેસ્ટિવલ ચાર મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિકટ – સિંધુ ભવન રોડ, સીજી રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાંકરિયા રામબાગ રોડ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ, માણેકચોક, લો ગાર્ડન, ગુજરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહ્‌લાદનગર રોડ અને અમદાવાદ- વન મોલ, પેલેડિયમ મોલ, ઈસ્કોન મેગા મોલ, સીજી સ્કવેર અને પેવેલિયન મોલ સહિતના શોપિંગ મોલ્સ જેવા ૧૪ હોટ સ્પોટ ખાતે યોજાશે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ પાંચ અનોખી થીમ પર આધારિત હશે અને તેમાં ફૂડ ઝોન, શોપિંગ અને આર્ટિઝન ઝોન, મ્યુઝિક ને કલ્ચરલ એક્ટિવિટી ઝોન, સ્પોટર્સ અને એન્ટરટેઈનમેન્ટ ઝોન પણ જોવા મળશે. તહેવારના આનંદને વધારવા માટે એએમસી સમગ્ર અમદાવાદ શહેરને આકર્ષક લાઈટિંગ અને સજાવટ સાથે વંડરલેન્ડમાં પરિવર્તિત કરશે.

ખાસ કરીને શોપિંગ ડિસ્ટ્રિકટ્‌સ, હોટ સ્પોટસ, મહત્ત્વપૂર્ણ ઈમારતો અને શહેરના વિવિધ બ્રિજ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત લાઈટ ટનલ, સેલ્ફી પોઈન્ટસ અને થીમ આધારિત લાઈટ ડેકોરેશન જેવા આકર્ષણો પણ પ્રદર્શિત કરવામાં આવશે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં મ્યુઝિક ફેસ્ટિવલ, ફલી માર્કેટસ, સ્ટેન્ડ અપ કોમેડી શો, શેરી આધારિત સંગીત અને સાંસ્કૃતિક પ્રદર્શન, ફેશન શો, મેજિક શો, કવિતાપઠન અને ગુજરાતી ફિલ્મોના સ્ક્રીનિંગ સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવશે. વધુમાં બોટ રેસિંગ, બોક્સિંગ, મેરેથોન, સાઈકલિંગ હેપી સ્ટ્રીટ ઈવેન્ટ્‌સ, રોબો ફાઈટ, ડ્રોન શો અને ફાયર શો જેવી રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.