ગોધરા ફાયર બ્રિગેડનો જવાન જાનની પરવા કર્યા વગર કૂવામાં ઉતરી ગાયને બચાવી
કાંકણપુર ગામે ૮૦ ફૂટ ઉંડા કુવામાં પડેલી ગાયને રેસ્ક્યુ કરી બહાર કાઢી
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા તાલુકાના કાકણપુર ગામે ૮૦ ફુટ ઉંડા કુવામાં પડેલી એક ગાયને ગોધરા ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી જેસીબી મશીન ની મદદથી બે કલાકની ભારે જહેમત બાદ ગાયને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. ગાય કુવામાં ખાબકતા મોટી સંખ્યામાં ગામના લોકો ઉમટી પડ્યા હતા.
આજરોજ ગોધરા તાલુકાના કાકણપુર ગામ પંચાયતમાં આવેલા ૮૦ ફૂટ ઊંડા કૂવામાં એક ગાય ખાબકી હતી. જેના કારણે આજુબાજુના સ્થાનિક લોકોએ જેસીબી મશીનથી ગાયને બહાર કાઢવાની કોશિશ કરી પરંતુ કૂવો ઊંડો હોવાને કારણે સ્થાનિક લોકો ગાયને બહાર કાઢી શક્યા ન હતા.
જેથી આજુબાજુના સ્થાનિક રહીશોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડ ને કોલ કરી જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડના મુકેશ ચાવડા, સતીશ ડાંગી, ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશ ડીંડોર સહિતના જવાનો તાબડતોડ ઘટના સ્થળ ઉપર પહોંચી અને ગાયને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું હતું.
જેમાં ગોધરા ફાયર બ્રિગેડના મુકેશભાઈ ચાવડા ૮૦ ફૂટ ઊંડા કુવામાં પોતાની જાનની પરવા કર્યા વગર કૂવામાં ઉતર્યા હતા. જ્યાં જેસીબી મશીન અને દોરડાની મદદ થી ગાયને સહી સલામત રીતે જેસીબી મશીન દ્વારા બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢ્યા બાદ તાત્કાલિક કરુણા એનિમલ એમ્બ્યુલન્સના ડોક્ટર આચલબેન પટેલ અને પાયલોટ જગદીશભાઈ દ્વારા જરૂરી ટ્રીટમેન્ટ કરી સારવાર પૂરી પાડવામાં આવી હતી. આમ કુવામાં પડેલી ગાયને ગોધરા ફાયર બ્રિગેડ અને ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા નવું જીવનદાન આપવામાં આવ્યું હતું.