92 દિવ્યાંગજનોને ઓર્થોસીસ સાધનો-પ્રોસ્થેસિસ કુત્રિમ અંગો સહિતના સાધનોનું વિતરણ
સાકરપાતાળ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો
(ડાંગ માહિતી )ઃ આહવાઃ ‘સુરત માનવ સેવા સંઘ’, ‘છાંયડ’ દ્વારા આયોજીત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈના સહયોગથી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સાકરપાતળ ખાતે જિલ્લાના જરૂરિયાતમંદ દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ મહારાજા સ્ટેટ ઓફ વાંસદા શ્રીમંત જય વીરેન્દ્ર સિંહજી સોલંકીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં સંતોકબા ધોળકિયા માલેગાંવના સંસ્થાપક પૂ.પી.પી.સ્વામીજી, ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વાંસદાના સેક્રેટરી ગૌરાંગના કુંવરી, વઘઇ ડાયટના પ્રાચાર્ય ડો. બી. એમ. રાઉત ઉપસ્થિતિ રહ્યા હતા.
‘સુરત માનવ સેવા સંઘ’, ‘છાંયડ’ દ્વારા ‘નિર્ભરને બનાવીએ સ્વનિર્ભર’ કાર્યક્રમ હેઠળ ૧૦૨ દિવ્યાંગજનોનુ ડોક્ટરની ટીમ દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જે પૈકી ૯૨ જેટલા લાભાર્થીઓને ઓર્થોસીસ સાધનો, પ્રોસ્થેસિસ કુત્રિમ અંગો અને મોબિલિટી માટેના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સાકરપાતળ ખાતે ‘છાંયડો’ સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહની પ્રેરણા હેઠળ સાધન સામગ્રી વિતરણ કરવામાં આવી.
કાર્યક્રમને સફળ બનાવવા ‘છાંયડો’ સંસ્થા સાથે જોડાયેલા સ્વયંસેવકો પણ ઉપસ્થિત રહી દિવ્યાંગજનો સાથે સંવેદનાત્મક વાર્તાલાપ કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સાકરપાતળ માધ્યમિક શાળાના આચાર્યા શ્રીમતી ડો. ફાલ્ગુનીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ.