મેટ્રો-BRTSના કારણે ૮ જંકશનો પર ફલાયઓવર નહીં બને
જલારામ, પરિમલ અને થલતેજ ખાતે અંડરપાસ બનાવવામાં આવ્યા હોવાથી આ જંકશનો પર પણ ફલાય ઓવર નહી બને
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૧૧માં સીઆરઆરઆઈ પાસે ટ્રાફિક સર્વે કરાવવામાં આવ્યો હતો. મ્યુનિ. કોર્પોરેશને શહેરના ૩૪ જંકશનો પર ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે કરાવેલા ટ્રાફિક સર્વેમાં સંસ્થાએ ત્રણ ફેઝમાં અલગ અલગ સ્થળોએ ૩૪ બ્રિજ બનાવવા માટે ભલામણ કરી હતી પરંતુ તે પૈકી ૧૦ સ્થળે બ્રીજ બની શકે તેવી શકયતા નથી.
મ્યુનિ. કોર્પોરેશને શહેરની વકરતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટીટયુટ નવી દિલ્હી પાસેથી ર૦૧૧માં ૩૪ જંકશનો પર ટ્રાફિક સર્વે કરાવ્યો હતો જેના રિપોર્ટમાં સંસ્થાએ ૧ થી ૩ ફેઝમાં તમામ જંકશનો પર ફલાય ઓવર બનાવવા ભલામણ કરી હતી જે પૈકી મેટ્રો રેલના કારણે એલાઈમેન્ટમાં ફેરફાર થતાં પ સ્થળે ફલાયઓવર બની શકે તેમ નથી.
આ ઉપરાંત ૩ સ્થળે બીઆરટીએસ રૂટના કારણે બ્રીજની જરૂરિયાત મુજબનો ટીપી રોડ ન હોવાથી પણ ફલાય ઓવર કેન્સલ કરવામાં આવ્યા છે. જયારે દિલ્હી દરવાજા પાસે ૧૦૦ મીટરની ત્રિજ્યામાં નેશનલ હેરીટેઝ વોલ્યુમેન્ટના કારણે શાહપુરથી દરિયાપુર તરફના ટુ લેન બ્રીજની દરખાસ્ત હાલ પુરતી પડતી મુકવામાં આવી છે. આ ઉપરાંત પ્રહલાદનગર જંકશન પર રોડની કામગીરી બાકી હોવાથી સર્વે કર્યા બાદ જ બ્રીજ બની શકશે.
દિલ્હીની સંસ્થા સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા પાલડી જલારામ ક્રોસીંગ, પરીમલ ગાર્ડન અને થલતેજ જંકશન ખાતે પણ ફલાય ઓવર માટે ભલામણ કરવામાં આવી હતી. થલતેજ જંકશન પાસે નેશનલ હાઈવે દ્વારા અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો છે.
ગુજરાત કોલેજ પાસે બ્રીજ બનાવવામાં આવ્યો હોવાથી પાલડી જંકશનના ફલાય ઓવરને પણ હોલ્ડ પર રાખવામાં આવ્યો છે જયારે પરિમલ અને જલારામ જંકશન પર અંડરપાસની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાથી આ ચાર જંકશન પર પણ બ્રીજ બની શકે તેમ નથી.