Western Times News

Gujarati News

ખાલી પડેલી જગ્યાઓ મામલે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

અમદાવાદ, ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ખાલી પડેલી જગ્યાઓ તેમ જ ગુજરાત રાજય ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ખાલી પડેલી પ્રમુખ અને મેમ્બર્સની જગ્યાઓ મામલે થયેલી રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે સરકારને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, ખાલી જગ્યાઓના કારણે જિલ્લા ફોરમ કામ જ ના કરતુ હોય તો તેની રચનાનો શું મતલબ..?

એકબાજુ રાજ્યમાં બેરોજગાર લોકો છે ને બીજીબાજુ, સરકાર ખાલી જગ્યાઓ ભરતી નથી. અગાઉ કોર્ટને જણાવાયું હતું કે, રાજ્યના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ૩૮ માંથી પ્રેસિડેન્ટની ૨૦ રાજ્યના જિલ્લા ગ્રાહક તકરાર નિવારણજગ્યાઓ અને ૭૬ માંથી ૪૭ જ્યુડીશિયલ મેમ્બરની જગ્યાઓ ખાલી છે.

દરમિયાન ગ્રાહક બાબતોના વિભાગના સોગંદનામા મારફતે આજે અદાલતને જણાવાયું કે, આસીસ્ટન્ટ ડિરેકટરની જગ્યાઓ પૈકી ૧૪ જગ્યાઓ પ્રમોશનથી ભરવાની થાય છે.

જયારે એક જગ્યા સીધી ભરતીથી ભરવાની છે. જો કે, છેલ્લા બે વર્ષમાં પ્રમોશન કે સીધી ભરતીથી જગ્યાઓ નહી ભરાતાં હાઈકોર્ટે ભારે નારાજગી વ્યકત કરી હતી. સીધી ભરતી જીપીએસસી કરતું હોઈ હાઈકોર્ટે તેને પણ પક્ષકાર બનાવી હતી. હાઈકોર્ટે રાજય સરકારને ગંભીર ટકોર કરી હતી કે, સરકારે વાસ્તવમાં ભરતી માટે કેલેડન્ડર બનાવવું જોઈએ. અધિકારીઓ આ મામલે આળસ કરી શકે નહી. જો જિલ્લા ફોરમોમાં સ્ટેનોગ્રાફર, કલાર્ક કે આસીસ્ટન્ટ ડિરેકટર જ ના હોય તો જિલ્લા ફોરમ કામ કેવી રીતે કરશે..?

જો જિલ્લા ફોરમ કામ જ ના કરી શકતુ હોય તો પછી તેની રચના કરવો શું મતલબ..? દર વખતે હાઇકોર્ટ ટકોર કરે પછી જ સત્તાવાળાઓ બધી કામગીરી કરતા હોય છે. ભરતી માટે સરકારના પ્રયત્ન નહી, વચન જોઈએ. પ્રમોશન નહી થાય તો સીધી ભરતી કેવી રીતે થશે..? એવો પણ હાઇકોર્ટે સવાલ ઉઠાવી ઓછા મહેકમ અને ભરતીમાં વિલંબિતતા મામલે ગ્રાહક બાબતોના વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી પાસેથી જવાબ માંગ્યો હતો અને કેસની વધુ સુનાવણી દિવાળી બાદ રાખી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.