PM નરેન્દ્ર મોદી તા. ૩૧મી ઓક્ટોબરે શું કરશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન થયા છે ત્યારથી દિવાળીનો દિવસ રાષ્ટ્રની સેવામાં ચોવીસ કલાક વ્યસ્ત રહેતા અને સરહદ પર રહી દેશની રક્ષા કરતા લશ્કરના જવાનો સાથે ગાળે છે.એવી જ રીતે નરેન્દ્ર મોદી દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાજર રહીને કરે છે.
હવે આ વર્ષે એવો જોગાનુજોગ સર્જાયો છે કે આગામી દિવાળીનો તહેવાર ૩૧મી ઓક્ટોબરે આવે છે.આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું આયોજન કરશે એ અંગે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ચર્ચા થઈ રહી છે!
એક શક્યતા એવી રહે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૩૧મી ઓક્ટોબરની ઉજવણી માટે ગૃહ મંત્રી અમિત શાહને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોક્લી આપે અને પોતે લશ્કરના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવા જાય!
બીજી એક શક્યતા એવી રહે કે વડાપ્રધાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને સરહદ પર લશ્કરી જવાનો પાસે દિવાળીની ઉજવણી કરવા મોકલી આપે અને સ્વયં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપે.
ત્રીજી એક શક્યતા એવી પણ રહે છે કે સમયનું સમાયોજન સાધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરહદ પર જવાનો સાથે દિવાળીના દિવસે સરહદ પરના જવાનો સાથે અર્ધો દિવસ ગાળીને પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના કાર્યક્રમમાં પણ હાજરી આપે.નરેન્દ્ર મોદી આયોજનના માહિર છે એટલે આવું આયોજન કરવું એ તેમના માટે સરળ પણ છે.
માણસાને મેડિકલ કોલેજ અપાવવા અમિત શાહ કટીબદ્ધ છે
કેન્દ્રિય ગૃહ અને સહકાર વિભાગના મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગાંધીનગર જિલ્લાના માણસાના વતની છે.તેઓનો જન્મ,ઉછેર અને અભ્યાસ વગેરે બધું જ માણસામાં થયું છે.અમિત શાહ રાજકારણનાં શિખરે બિરાજતા હોવા છતાં પોતાના વતનને ખૂબ પ્રેમ કરે છે અને અતિ વ્યસ્તતા વચ્ચે પણ તેઓ દરેક નવરાત્રિના બીજા નોરતે પોતાના વતન માણસા ખાતે સ્થિત તેમના કૂળ દેવી બૌચર માતાનાં દર્શન કરવા જાય છે.
તાજેતરમાં પૂર્ણ થયેલ નવરાત્રીનાં બીજા નોરતે અમિત શાહ માણસા આવ્યા ત્યારે તેઓએ માણસાની પ્રજાને જાહેર મંચ પરથી એવું વચન આપ્યું હતું કે આગામી વર્ષનાં બીજા નોરતે આવીશ ત્યારે (માણસામાં સ્થાપવાની થતી સૂચિત) મેડિકલ કોલેજનો પ્લાન પણ લેતો આવીશ.
આનો અર્થ એ થાય કે ભવિષ્યમાં માણસાને મેડિકલ કોલેજ મળવાની છે જેનો લાભ આખા ગાંધીનગર જિલ્લાને મળશે.અમિત શાહ એટલાં શક્તિશાળી છે કે તેઓ પોતાનું ધાર્યું કરી શકે છે અને કરાવી પણ શકે છે.એ જોતાં આગામી બે – ત્રણ વર્ષોમાં માણસાને મેડિકલ કોલેજ મળવાની ઉજળી શક્યતા રહે છે.અમિત શાહનો વતનપ્રેમ સરાહનીય ગણાય.
વડોદરાના એ.સી.પી. હરપાલસિંહ કે.રાઠોડની નેત્રદીપક કામગીરી
ગુજરાત પોલીસની કમનસીબી એ છે કે તેની મથરાવટી એટલી બધી મેલી થઈ ગઈ છે કે એ ખાતા દ્વારા જ્યારે સારું કાર્ય થાય ત્યારેય તે બિરદાવવાનું લોકોને મન નથી થતું.આજે અહીં એ પરંપરા ત્યાગીને ગુજરાત પોલીસને બીરદાવવી છે.
નવરાત્રિ દરમિયાન વડોદરામાં ૧૬ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમોને વડોદરા પોલીસે માત્ર ૪૮ કલાકમાં ઝડપી લીધા એ ઘટનાની પ્રશંસનીય છે.આરોપીને પકડવા માટે પોલીસે જે ઝીણું કાંત્યુ એ પણ આફ્રિન થઈ જવાય એવું છે.પોલીસને સામાન્ય કહી શકાય તેવી ૩ કડી મળી તે એ હતી કે
(૧)સગીરાનો ફોન લઈ ગયેલા આરોપીઓએ સગીરાની માતાએ કરેલો ફોન ત્રણ સેકન્ડ માટે ઉપાડેલો ત્યારે ઢોલ-નગારાના અવાજ આવતા હતા (૨)સ્થળ પરથી પચાસ રૂપિયાની કિંમતના ગોગલ્સ મળી આવ્યા જે પરથી નક્કી કરાયું કે આરોપીઓ મજુરની કક્ષાના હશે અને (૩) પીડીતાએ જણાવેલું કે આરોપીએ કાનમાં કડી પહેરી હતી.
માત્ર આટલી કડી સાથે ગુજરાત પોલીસ કેડરની ૧૯૯૨-૯૩ની બેચના બાહોશ અધિકારી અને વડોદરાના એ.સી.પી. હરપાલસિંહ રાઠોડે ૨-પોલીસ ઈન્સ્પેકટર,૮-પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ૫૫- પોલીસ કોન્સ્ટેબલની ટીમ બનાવીને, ઝીણવટભરી તપાસ શરૂ કરીને આરોપીને ઝડપી લીધા.
આને પોલીસની જ્વલંત સફળતા તરીકે જોવી જોઈએ અને ગુજરાત પોલીસ કેડરના એ. સી.પી.એચ.કે.રાઠોડની કુનેહ અને કાર્યદક્ષતાની પણ સૌએ નોંધ લેવી જોઈએ.
ગાંધીનગરનું ગૌરવ એટલે બાલુડાના ગરબા
ગુજરાતનું પાટનગર ગાંધીનગર એક સરકારી નગર ઉપરાંત એક સંસ્કારી નગરીમાં પણ પરિવર્તિત થઈ રહ્યું છે. તેનાં અનેક પુરાવાઓ છે તે પૈકીનાં એક પુરાવાની વાત અહીં કરવી છે.
ગાંધીનગરમાં દર વર્ષે નવરાત્રી દરમિયાન એક દિવસ “બાલુડાના ગરબા” શિર્ષક તળે માનસિક,શારીરિક દિવ્યાંગ વ્યક્તિઓ માટેના ગરબાનું આયોજન કરવામાં આવે છે.આ આયોજનનો પ્રારંભ ૧૯ વર્ષ પહેલાં
એટલે કે ૨૦૦૫માં ગાંધીનગરની પ્રતિષ્ઠિત સંસ્થા જી.ઈ.ક્લબ દ્વારા અને જિજ્ઞેશ રાવલ તથા કુંતલ નિમાવતની આગેવાની નીચે શરૂ કરવામાં આવ્યા હતા.આ ગરબાના આયોજનની વિશિષ્ટતા એ છે કે માનસિક અને શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ સાથે શહેરના સામાન્ય અને અગ્રણી નાગરીકો પણ જોડાય છે.આ વિશિષ્ટ ઉત્સવ શરૂ કર્યો ત્યારે જી.ઈ.ક્લબ દ્વારા શુભેચ્છકો તરફથી રૂ.૧૦૦/- લેવામાં આવતા અને આજે આ ગરબાના આયોજન માટે દાનનો અવિરત પ્રવાહ વહે છે.
મજા તો એ વાતની છે કે માનસિક અને શારીરિક વિકલાંગ વ્યક્તિઓ સાથે શહેરના સામાન્ય વ્યક્તિઓ ગરબા રમે અને તેને કારણે દિવ્યાંગ – સામાન્ય વચ્ચેનો ભેદ ભુંસાઈ જાય અને તેને કારણે વિકલાંગ વ્યક્તિઓનો આત્મવિશ્વાસ પણ વધી જતો જણાયો છે.આ આયોજનથી મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટે એક નવો શબ્દ ‘બાળુડા’ રાજ્યભરમાં પ્રચલિત થયો ને
આ ગરબા ઉત્સવની ઉજવણીની અન્ય શહેરોમાં પણ શરુ થઈ.સને ૨૦૨૪ની નવરાત્રીમાં બાલુડાના ગરબાનું આયોજન ગ્રોવ ફાઉન્ડેશન, સાધના પેરેન્ટ એસોસિયેશન, જી.ઈ.કલબના સંયુક્ત ઉપક્રમે થયું.હોટલ પથિકાશ્રમે પોતાનું ગ્રાઉન્ડ વિનામૂલ્યે આપ્યું.આ આયોજન કરનાર સૌ અભિનંદનને પાત્ર છે.
બોલો લ્યો,૧૫મી વિધાનસભાનાં સભ્યોની પરિચય પુસ્તિકા હજુ બહાર નથી પડી!
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થાય એ પછી લગભગ ૩ માસની અંદર ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની અગત્યની વિગતો આપતી પરિચય પુસ્તિકા પ્રગટ કરી દેવામાં આવે છે.પરંતુ આશ્ચર્યકારક ઘટના એ છે કે ડિસેમ્બર -૨૦૨૨-માં ચૂંટાયેલી ૧૫મી વિધાનસભાનાં સભ્યોનો વિગતે ઓળખ આપતી પરિચય પુસ્તિકા હજુ સુધી પ્રગટ થઈ નથી.
ગુજરાત વિધાનસભાની રચના થયાંને લગભગ બે વર્ષ થવા આવ્યા હોવા છતાં આવી નાનકડી કામગીરી પણ ગુજરાત વિધાનસભાનાં કાર્યાલય દ્વારા પૂર્ણ થઈ શકી નથી એ બાબત ગુજરાત વિધાનસભાના સચિવાલયની કાર્યક્ષમતા સામે પણ પ્રશ્નો સર્જે છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉત્સાહી અને કાર્યદક્ષ નેતા છે.તેમની એ શક્તિ પરિચય પુસ્તિકાના પ્રકાશન માટે તેઓ વાપરે એ હવે જરૂરી જણાય છે.