‘વોકલ ફોર લોકલ’ના અભિયાનને વેગ આપતો ‘આદિ મહોત્સવ’
અમદાવાદ હાટ ખાતે ‘આદિ મહોત્સવ‘ને ખુલ્લો મૂકતા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દુર્ગાદાસ ઉઇકે-શહેરીજનો 22 ઓકટોબર સુધી આ પ્રદર્શનની મુલાકાત લઈ શકશે
આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેર ડિંડોરની પ્રોત્સાહક ઉપસ્થિતિ-જનજાતીય કાર્ય મંત્રાલય અને ટ્રાઈબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ટ્રાઈફેડ)ના સંયુક્ત ઉપક્રમે આદિ મહોત્સવનું આયોજન
સમગ્ર દેશમાંથી જનજાતીય કારીગરોના હાથશાળ અને હસ્તકલા ઉત્પાદનોનું વેચાણ અને પ્રદર્શનનું આયોજન
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દુર્ગાદાસ ઉઇકેના હસ્તે શહેરના વસ્ત્રાપુર સ્થિત અમદાવાદ હાટ ખાતે ‘આદિ મહોત્સવ’નું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા. જનજાતીય કાર્ય મંત્રાલય અને ટ્રાઈબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ટ્રાઈફેડ)ના સંયુક્ત ઉપક્રમે આદિજાતિ મહોત્સવનું આયોજન કરાયું છે. ઉદ્ઘાટન પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દુર્ગાદાસ ઉઇકેએ કહ્યું હતું કે, આ પ્રકારનાં આયોજનો થકી આદિજાતિ સમુદાયોના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિને ઓળખ મળે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિ પરિવારોને ખરા અર્થમાં સ્વાભિમાન, સન્માન અને ગૌરવ અપાવ્યું છે. આદિજાતિ પરિવારોના વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી છે, તેવું તેમણે કહ્યું હતું.
આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિ સંસ્કૃતિ અને તેમની હસ્તકલાને પ્લેટફોર્મ આપવાનું કાર્ય કર્યું છે. આદિજાતિ પરિવારોના કલ્યાણ માટે અનેક પ્રકારનાં આયોજનો અને યોજનાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે બનાવી છે, તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, આદિજાતિના બંધુઓને ખરા અર્થમાં સન્માન આપવાનું કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે.
બારડોલીના સાંસદ અને અનુસૂચિત જાતિ/જનજાતિ કલ્યાણ બોર્ડના સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાએ કહ્યું હતું કે, ‘આદિ મહોત્સવ’ જેવાં આયોજનો થકી આદિજાતિ પરિવારોની હસ્તકલાને પ્રોત્સાહન મળ્યું છે અને તેઓ આત્મનિર્ભર બનતા થયા છે.
આ પ્રસંગે ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ શ્રી રામસિંહ રાઠવાએ ટ્રાઈફેડ સંસ્થા વિશે પરિચય આપી તેનાં કાર્યો વિશે માહિતી આપી હતી. વધુમાં, આ સંસ્થા દ્વારા આદિવાસી બંધુઓ માટે કરાતાં કાર્યો વિશે પણ જણાવ્યું હતું અને કેન્દ્ર સરકારના સહયોગ બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જનજાજાતીય ઉદ્યોગ સાહસિકતા, શિલ્પ, સંસ્કૃતિ, વ્યંજન અને વાણિજ્યના ઉત્સવનો સંયુક્ત સંગમ એટલે ‘આદિ મહોત્સવ’ કે જેમાં સમગ્ર દેશમાંથી જનજાતીય કારીગરોના હાથશાળ અને હસ્તકલા ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ અર્થે 100થી વધુ સ્ટોલ્સ ઉપલબ્ધ છે, જેમાં ટ્રાઈબલ પેઇન્ટિંગ, ટ્રાઈબલ ટેક્ષટાઈલ, ટ્રાઈબલ જ્વેલરી, વાંસની ચીજવસ્તુ, મેટલ ક્રાફટ, ગિફ્ટ આર્ટિકલ, ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ્સ જેવી વિવિધ વસ્તુઓ મળી શકશે. વધુમાં અહીં દેશભરના જનજાતીય સ્વાદિષ્ટ વ્યંજનનો સ્વાદ પણ માણી શકાશે.
મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને વસ્તુઓની ખરીદી કરી ઉત્પાદકો તથા વેચાણધારકોને પ્રોત્સાહિત પણ કર્યા હતા.
આ મહોત્સવમાં નાગરિકો દેશનાં વિવિધ રાજ્યોના જનજાતિ સમુદાય દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓ મેળવી શકશે, જેમ કે, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડની પશ્મીના શૉલ, ઉતરપ્રદેશની લાકડીઓની કળા, આસામની રેશ્મી સાડીઓ, મણિપુરની બ્લેક પોટરી, ઓડિશાની સોરી પેઇન્ટિંગ, મધ્યપ્રદેશની મહેશ્વરી અને ચંદેરી સાડીઓ, છતીસગઢ અને આંધ્રપ્રદેશના ધાતુના મૂર્તિ શિલ્પ, કેરળ અને આંધ્રપ્રદેશના વનોમાંથી મેળવેલ મધ, કાજુ અને મસાલા, મહારાષ્ટ્રની વારલી પેઇન્ટિંગ, ગુજરાતના રંગબેરંગી હેંગિંગ્સ અને વાંસના ફર્નિચર અને રાજસ્થાનની મીનાકારી જેવી વસ્તુઓ જોવા મળશે.
આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે ટ્રાઈફેડ ગુજરાતના પ્રાદેશિક મેનેજર શ્રી અજિત વાછાની તથા સમગ્ર ટીમ અને સ્ટોલધારકો અને મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.