નવરાત્રિ બાદ સોનાના ભાવમાં સતત વધારો છતાં ખરીદી વધી
નવરાત્રિ બાદથી લોકોએ લગ્નસરાની ખરીદી શરૂ કરતાં સોની બજારમાં ચાંદી જ ચાંદી જેવી સ્થિતિ જોવા મળી રહી છે
સોના-ચાંદી બજારમાં તેજી વચ્ચે હવે લગ્નસરાની ખરીદી શરૂ થઈ ગઈ
ગાંધીનગર, સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે તેમ છતાં ખરીદી પણ વધી રહી છે. નવરાત્રિની શરૂઆતથી સોની બજારમાં જોવા મળતી તેજી યથાવત્ રહી છે. નવરાત્રિ બાદથી લોકોએ લગ્નસરાની ખરીદી શરૂ કરતાં સોની બજારમાં ચાંદી જ ચાંદી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સરકારે સોના પરની ડ્યૂટી ઘટાડતાં સોનાના ૧૦ ગ્રામના ભાવ ૭૦ હજાર પહોંચી ગયા હતા જે આઠ મહિનામાં વધીને ફરીથી ૭૮ હજારના પાર થઇ ગયા છે.
બીજી તરફ કિલો ચાંદીનો ભાવ પણ ૮૪ હજારે પહોંચીને ફરીથી ૯૦ હજાર સુધી પહોંચી ગયો છે. હાલ સોની બજારમાં તેની માહોલ જોતાં વેપારીઓ ખુશ છે હજુ આ માહોલ દિવાળી અને લગ્નસરા સુધી રહેશે તેમ વેપારીઓ માની રહ્યા છે. સોનાના ભાવમાં વર્ષાેથી સતત વધારો થઇ રહ્યો છે. તેમ છતાં સોનાની ખરીદી અને માંગ ક્યારેય ઘટી નથી. હાલમાં સોનાના ભાવ ૭૮ હજાર સુધી પહોંચી ગયા છે તેમ છતાં લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે. હવે નવરાત્રિ પૂરી થતાંની સાથે જ લોકોએ લગ્નસરા માટે ખરીદી શરૂ કરી દીધી છે.
તેમાંય દિવાળી ટાણે પુષ્યનક્ષત્રમાં પણ સોનાની ખરીદી માટેને ઓર્ડર અત્યારથી જ લેવાના શરૂ થઇ ગયા છે. સોની બજારના અગ્રણી વેપારી રિતેશ આસોદરાના જણાવ્યા મુજબ અમેરિકાની બેંકમાં વ્યાજદર ઘટતાં વૈશ્વિક સોનાની ખરીદી વધી છે. જેને લઇને ભાવમાં પણ થોડો વધારો થયો છે.પહેલાં દુબઇ અને ભારતમાં સોનાના ભાવમાં ઘણો તફાવત હતો. જેને પગલે દાણચોરોની સિન્ડિકેટ સોનાની દાણચોરી કરતી હતી અને દાણચોરીનું સોનું બજારમાં તરત જ વેચાઇ જતું હતું. હવે ડ્યૂટી ઘટાડતાં ભાવનો તફાવત ઘટી ગયો છે. માટે હવે દાણચોરી માટે દુબઇ જઇને પરત આવવાનું પરવડે નહીં. જો એરપોર્ટ પર પકડાઇએ તો બધુ જ સોનું સરકારની તિજોરીમાં જમા થઇ જાય. આમ ડ્યૂટી ઘટતાં દાણચોરી નહીંવત્ થઇ ગઇ છે.ss1