ગાઝામાં શાળા પર હવાઈ હુમલો, બાળકો સહિત ૨૦ના મોત
ઈઝરાયેલ માસૂમને બનાવ્યા નિશાન
મૃતદેહોને નુસેરાતની અલ-અવદા હોસ્પિટલ અને દેર અલ-બાલાહની અલ-અક્સા શહીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
નવી દિલ્હી,
ઈઝરાયેલ હાલમાં હમાસ અને હિજબુલ્લાહ સાથે બે મોરચે યુદ્ધ લડી રહ્યું છે ત્યારે ફરી એકવાર ઈઝરાયલે ગાઝામાં હવાઈ હુમલો કર્યાે હતો. સ્થાનિક હોસ્પિટલોના જણાવ્યા અનુસાર, મધ્ય ગાઝામાં બેઘર લોકોનું આશ્રયસ્થાન બની ગયેલી એક શાળામાં ઇઝરાયલે આ વખતે હવાઈ હુમલા કરતાં હાહાકાર મચી ગયો હતો. આ હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા હતા.નુસેરાતમાં રવિવારે રાત્રે કરાયેલા હુમલામાં મૃતકોમાં બે મહિલાઓ પણ સામેલ હતી. આ શાળા ગાઝામાં વર્ષાે સુધી ચાલેલા યુદ્ધથી વિસ્થાપિત થયેલા ઘણા પેલેસ્ટિનિયનોનું ઘર હતી. મૃતદેહોને નુસેરાતની અલ-અવદા હોસ્પિટલ અને દેર અલ-બાલાહની અલ-અક્સા શહીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલના બોમ્બમારા અને ગાઝા પર ગ્રાઉન્ડ ઓપરેશનમાં અત્યાર સુધી ગાઝામાં ૪૨,૦૦૦ થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. ઈઝરાયલ જ્યારે પણ હુમલા કરે છે ત્યારે હમાસના લડાકૂઓ અને નાગરિકો વચ્ચે કોઈ અલગતા રાખતું નથી અને બેફામ હુમલા કરીને ચારેકોર વિનાશ વેરી રહ્યું છે.