ગૌ માતાને ‘રાજ્યમાતા’ તરીકે જાહેર કરવાના મહારાષ્ટ્ર સરકારના ઐતિહાસિક નિર્ણય બદલ દિવ્ય સન્માન સમારોહનું આયોજન થયું
દેશની તમામ રાજ્ય સરકારો ગાયને “રાજ્યમાતા” ઘોષિત કરે – ડૉ. ગિરીશ શાહ
(પ્રતિનિધિ) મુંબઇ, ગાયને “રાજ્યમાતા” જાહેર કરવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને વધાવવા માટે એક દિવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર અને મુંબઈના ધર્મપ્રેમીઓ, જીવન પ્રેમીઓ અને સંસ્કૃતિ અને પરંપરા પ્રેમીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશભાઈ શાહે મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમની શરૂઆત કરી, ગુરુ ભગવંતોનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ડો. ગીરીશભાઈ શાહે જણાવ્યું હતું કે, “દેશની તમામ રાજ્ય સરકારો ગાયને “રાજ્યમાતા” ઘોષિત કરે, ભારત સરકાર પણ ગાયને “રાષ્ટ્રમાતા” ઘોષિત કરે.” કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા પાંચ મોટા નિર્ણયો ગૌસેવા આયોગની સ્થાપના, ગાયને રાજ્યની માતા તરીકેનો દરજ્જો, પશુઓ માટે પ્રતિ દિવસ પશુ દીઠ, દૈનિક, કાયમી રૂ. 50 સબસિડી, જૈન લઘુમતી આર્થિક વિકાસ નિગમની સ્થાપના, ભગવાન મહાવીર સ્વામીની 2550મી નિર્વાણ કલ્યાણક મહોત્સવ સમિતિની રચના અને જૈન જીમખાના માટે જગ્યાની વ્યવસ્થા વગેરેની જાહેરાતોની પણ અનુમોદના કરવામાં આવી હતી.
પરમ પૂજનીય ગચ્છાધિપતિ રાજેન્દ્ર સૂરીશ્વરજી, પરમ પૂજનીય ગચ્છાધિપતિ કલ્પતરુ સૂરીશ્વરજી, પરમ પૂજનીય અચલ ગચ્છાધિપતિ કલાપ્રભસાગર સૂરીશ્વરજી, પરમ પૂજ્ય આચાર્ય નયપદ્મસાગર સૂરીશ્વરજી, જગદગુરુ જ્યોતિર્મથ શંકરાચાર્ય, શ્રી 1008 સ્વામી અવિમુક્તેશ્વર સરસ્વતીજી, ગુરુદેવ રાકેશભાઈ, કાડસીધેશ્વર સ્વામી, આદરણીય સંજય મહારાજ પચપૌર સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. પૂજ્ય મહાબોધીસૂરીશ્વરજી એ ધારદાર પ્રવચન દ્વારા બધા ના મન મોહી લીધા હતા
આ ભવ્ય અભિનંદન સમારોહનું આયોજન યોગી ઓડિટોરિયમ, દાદર, મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મહારાષ્ટ્રની 300 થી વધુ ગૌશાળા, પાંજરાપોળોનાં 900 થી વધુ જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલેખ્ખનીય છે કે ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ, ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર સમિતિ સભ્ય મિત્તલ ખેતાણી અને સાથી ટીમનાં માર્ગદર્શનમાં દેશનાં અનેક રાજ્યોમાં છેલ્લા એક વર્ષથી રાજ્યોનાં મુખ્યમંત્રી, પશુપાલન મંત્રી ઈત્યાદિને રૂબરૂ મળી જીવદયા, ગૌસેવાનાં અનેકવિધ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી રહી છે અને આ અંગે ખુબ સારી સફળતા પણ પ્રાપ્ત થઇ છે. હાલમાં દેશનાં 8 રાજ્યોમાં પશુદીઠ સબસીડી શરુ થઇ ગઈ છે.
આ કાર્યક્રમનું આયોજન સમસ્ત મહાજન (ડૉ. ગિરીશ શાહ), બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ (નાગજી રીટા, હેમરાજ શાહ), જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (ઘેવરચંદ બોહરા, વીરેન્દ્ર પી. શાહ), અખિલ ભારતીય જૈન માઈનોરીટી ફેડરેશનનાં (લલિત ગાંધી, સંદીપ ભંડારી), ગૌશાળા મહાસંઘ મહારાષ્ટ્રનાં (સુનિલ સૂર્યવંશી, ગિરીશ સત્રા), શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, (જયેશ શાહ, ભરત મહેતા),
કચ્છી જૈન ફાઉંડેશન, ( ચંદ્રકાંતભાઇ ગોગરી, દીપકભાઇ ભેદા ) શ્રીમદ રાજચંદ્ર જીવમૈત્રીધામ- ધરમપુર (રાહુલભાઈ ઝવેરી, રતનભાઈ લુણાવત), ભગવાન મહાવીર પશુ સંરક્ષણ કેન્દ્ર (મહેન્દ્રભાઈ સંગોઇ, હરેશભાઈ વોરા) અને પટેલ સોશિયલ ગ્રૂપ(પ્રવીણભાઈ કાકડીયા, પરેશભાઈ શાહ) ના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું હતું.