Western Times News

Gujarati News

સેટેલાઇટ નેટના સ્પેક્ટ્રમની ફાળવણી નહીં, પરંતુ હરાજી કરોઃ રિલાયન્સ

નવી દિલ્હી, ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસના સ્પેક્ટ્રમ માટે અબજપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ અને ઇલોન મસ્કની સ્ટારલિંક વચ્ચેનો જંગ વધુ તીવ્ર બન્યો છે.

સેટેલાઇટ ઇન્ટરનેટના સ્પેક્ટ્રમની હરાજી નહીં થાય, પરંતુ તેની સરકાર ફાળવણી કરાશે તેવા ટેલિકોમ રેગ્યુલેટરીના તારણ સામે રિલાયન્સે ખાનગીમાં સવાલ ઊભા કર્યા છે. ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસના સ્પેક્ટ્રમ કેવી રીતે આપવામાં આવશે તે અંગે ગયા વર્ષથી વિવાદ ચાલે છે.

મસ્કની સ્ટારલિંક અને તેની વૈશ્વિક હરીફ એમેઝોનની પ્રોજેક્ટ કુપર સ્પેક્ટ્રમની સરકાર ફાળવણી કરે તેવું ઇચ્છે છે, બીજી તરફ રિલાયન્સ જિયોની માલિક ધરાવતા અંબાણી હરાજી કરવામાં આવે તેવું ઇચ્છે છે. હાલના વિવાદ ભારતના કાયદાના અર્થઘટન સંબંધિત છે.

ઉદ્યોગના કેટલાંક લોકો માને છે કે મસ્કની ઇચ્છા અનુસાર સ્પેક્ટ્રમની ફાળવણી કરવાનો સરકારે માર્ગ મોકળો કર્યાે છે. જોકે રિલાયન્સે દલીલ કરી છે કે વ્યક્તિઓ કે હોમ યુઝર્સ માટે સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ માટે કાયદામાં કોઇ જોગવાઈ નથી.

આ મુદ્દે ટેલિકોમ નિયમનકારી સંસ્થા ટ્રાઇ હાલમાં જાહેર વિચારવિમર્શ કરી રહી છે. જોકે રિલાયન્સે ૧૦ ઓક્ટોબરે ખાનગી પત્ર લખી જણાવ્યું છે કે આ પ્રક્રિયા નવેસરથી ચાલુ કરવી જોઇએ, કારણ કે નિયમનકારી સંસ્થાએ અગાઉથી અર્થઘટન કરી નાંખ્યું છે કે આગામી સમયગાળામાં સ્પેક્ટ્રમની હરાજી નહીં થાય, પરંતુ તેની સરકાર દ્વારા ફાળવણી કરાશે.

રિલાયન્સના નિયમનકારી બાબતોના વરિષ્ઠ અધિકારી કપૂર સિંહ ગુલિયાનીએ ભારતના ટેલિકોમ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે “ટ્રાઈએ કોઈપણ આધાર વિના નિષ્કર્ષ કાઢ્યો છે કે સ્પેક્ટ્રમ ફાળવણી વહીવટી હોવી જોઈએ.”

પત્રમાં જણાવાયું છે કે ટ્રાઇએ તેના કન્સલ્ટેશન પેપરમાં સંકેત આપ્યો છે કે ભારતીય કાયદાઓ કોઈપણ અભ્યાસ કર્યા વિના આવી સેવાઓ માટે સ્પેક્ટ્રમની ફાળવણી ફરજિયાત કરે છે.

રિલાયન્સનો આ પત્ર સાર્વજનિક કરાયો નથી. આ મુદ્દે રિલાયન્સ કે ટેલિકોમ મંત્રાલયે તાકીદે કોઇ ટીપ્પણી કરી ન હતી. ટ્રાઇના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી રહી છે અને વિચારવિમર્શની પ્રક્રિયા દરમિયાન રિલાયન્સના મંતવ્યો આવકાર્ય છે. ટ્રાઇની ભલામણને આધારે સરકારે સ્પેક્ટ્રમના મુદ્દે નિર્ણય કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.