મ્યુનિ. ડેઝીગ્નેટેડ ઓફિસરે ‘પાણી’ માટે પાણીની જેમ પૈસા વહાવ્યા
શેરપા મીટિંગના ૩૯ મહેમાનોના હેરિટેજ વોકમાં પાણીનો ખર્ચ રૂ.૧.ર૪ લાખ થયો
૭ જુલાઈએ માત્ર બે કલાકના હેરીટેઝ વોકમાં મહેમાનો માટે ડેઝીગ્નેટેડ ફુડ ઓફિસરે રૂ.૧ લાખ ર૪ હજારનો ખર્ચ માત્ર પીવાના પાણી માટે કર્યો
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષ દ્વારા કોઈપણ નાના મોટા ઉત્સવોની ઉજવણી માટે મ્યુનિ. કમિશનરને નાણાંકીય સત્તા આપવામાં આવે છે. મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ દ્વારા કમિશનરને નાણાંકિય સત્તા આપવામાં આવ્યા બાદ તેનો હિસાબ ફરીથી સ્ટેન્ડિગ કમિટિ સમક્ષ રજુ થતો નથી
જેનો લાભ ઉચ્ચ અધિકારીઓ લઈ રહયા છે. ફુડ ફોર થોટના ત્રણ દિવસના કાર્યક્રમમાં જ કોઈપણ પ્રકારના ટેન્ડર, ઓફર કે કોટેશન વગર જ કમિશનરે કન્સ્લટન્ટને રૂ.પ૯ લાખ અને ગ્વાલિયર સ્વીટ્સને રૂ.૭૬ લાખ ચુકવ્યા છે. આ ગેરરીતિની શાહી હજી સુકાઈ નથી ત્યાં જુલાઈ- ર૦ર૩માં યોજાયેલ શેરપા મીટીંગમાં પણ બેફામ ખર્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મ્યુનિ. ડેઝીગ્નેટેડ ઓફિસરે ‘પાણી માટે’ પાણીની જેમ પૈસા વહાવ્યા છે.
અમદાવાદ શહેરમાં ૬ થી ૮ જુલાઈ ર૦ર૩માં અર્બન યુ-ર૦ અંતર્ગત શેરપા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ- વિદેશમાંથી લગભગ ૩૯ જેટલા મહેમાનો આવ્યા હતાં. આ મહેમાનોને શહેરના જોવાલાયક સ્થળોએ પણ લઈ જવામાં આવ્યા હતા જેમાં અમદાવાદના પ્રસિદ્ધ હેરીટેઝ વોકમાં પણ ૩૯ મહેમાનોને લઈ જવામાં આવ્યા હતાં.
૭ જુલાઈએ માત્ર બે કલાકના હેરીટેઝ વોકમાં મહેમાનો માટે ડેઝીગ્નેટેડ ફુડ ઓફિસરે રૂ.૧ લાખ ર૪ હજારનો ખર્ચ માત્ર પીવાના પાણી માટે કર્યો છે. જેનો સીધો મતલબ એ થાય છે કે ડેઝીગ્નેટેડ ઓફિસરે માત્ર ર કલાકમાં એક વ્યક્તિને રૂ.૩ર૦૦નું પાણી પીવડાવ્યું હતું આ રકમ ગાંધી કેટરસના ફાળે ગઈ છે. મ્યુનિ. ડેઝીગ્નેટેડ ઓફિસરે આ અગાઉ પણ આવા અનેક બેફામ ખર્ચ કર્યાં છે જેમાં ફુડ ફોર થોટ, ફલાવર શો, અર્બન-ર૦, કાંકરિયા કાર્નિવલ વગેરેનો સમાવેશ થાય છે.
મ્યુનિ. ડેઝીગ્નેટેડ ઓફિસર યેનકેન પ્રકારે સ્ટેન્ડિગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરી તેને મંજુર કરાવે છે ત્યારબાદ ખર્ચ કરવામાં લેશમાત્ર પણ પાછી પાની કરતા નથી જેના કારણે ઘણા કોન્ટ્રાકટરોના પેમેન્ટ હજી અટવાયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલતી ચર્ચા મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર ૈંજી અધિકારીઓ માટે કમાઉ દીકરા સમાન સાબિત થઈ રહયા છે
તેથી તાજેતરમાં જાહેર ખોલવામાં આવેલ ડેઝીગ્નેટેડ ઓફિસરની જગ્યા માટે લાયકાત હજી સુધી નકકી કરવામાં આવી નથી કારણ કે હાલના આ અધિકારી મુળ લાયકાતમાં ફીટ બેસતા નથી તેથી તેમને યેનકેન પ્રકારે આ જગ્યા પર ચલાવવામાં એક ખાસ લોબીને વધુ રસ છે તેમ માનવામાં આવે છે.