રિક્ષા ચાલકોનો વધતો આતંક: યુવકને લૂંટી ચાલુ રિક્ષામાંથી બહાર ફેંકી દીધો
‘તારી પાસે બીજું જે કાંઈ છે તે મને આપી દે’ તેમ કહીને છત્તીસગઢના યુવકને માર માર્યો અને લૂંટી લીધો ઃ છરીની અણીએ લૂંટ ચલાવી
અમદાવાદ, ગુજરાતમાં નોકરીનું સપનું સાકાર કરવા માટે આવેલા યુવકને અમદાવાદ આવતાની સાથે જ કડવો અનુભવ થયો છે. યુવક અજાણતાં શટલ રિક્ષામાં બેસી ગયો અને બાદમાં તેની સાથે જે ઘટના ઘટી છે તે સાંભળને કદાચ તમે પણ શટલ રિક્ષામાં બેસી ગયો અને બાદમાં તેની સાથે જે ઘટના ઘટી છે
તે સાંભળીને કદાચ તમે પણ શટલ રિક્ષામાં બેસતા પહેલાં દસ વખત વિચાર કરશો. યુવકને ચાલુ રિક્ષામાં માર માર્યો અને બાદમાં છરીની અણીએ લૂંટીને ચાલુ રિક્ષામાંથી બહાર ફેંકી દીધો છે. યુવકને ગુરૂકૂળ જવાનું હતું પરંતુ રિક્ષાચાલકે તેને ખોખરા તરફ લઈ જતાં ભાંડો ફૂટયો છે.
છત્તીસગઢમાં આવલા આદિત્યનગર દુર્ગ સિટી ખાતે રહેતા રવિન્દ્ર ડાંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સ વિરૂદ્ધ લૂંટની ફરિયાદ કરી છે. રવિન્દ્ર અભ્યાસ કરે છે અને છત્તીસગઢમાં પોતાના પરિવાર સાથે રહે છે. રવિન્દ્ર ચાંગોદર ખાતે આવેલી ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા માટે ગાંધીધામ વીકલી ટ્રેનમાં છત્તીસગઢથી અમદાવાદ આવ્યો હતો.
ઈન્ટાસ કંપની દ્વારા રવિન્દ્રને રોકાવા માટેની સુવિધા ગુરૂકૂળ ખાતે આવેલી અલ્બા પ્રિમિયર હોટલમાં કરાવાયું હતું. રાતે સાડા બાર વાગ્યાની આસપાસ ગાંધીધામ વીકલી ટ્રેન કાલુપુર રેલવે સ્ટેશન આવી હતી.
રવિન્દ્ર ટ્રેનમાંથી ઉતરીને રેલવે સ્ટેશનની બહાર આવ્યો હતો અને અલ્બા પ્રિમિયર હોટલમાં જવા માટે રિક્ષાની રાહ જોતો હતો. દરમિયાનમાં રિક્ષા આવી જેમાં ત્રણ પેસેન્જર બેઠા હતા. રિક્ષાચાલકે આવતાની સાથે જ રવિન્દ્રને પૂછયું હતું કે, કહાં જાના હૈ, જેથી તેણે જવાબ આપ્યો હતો કે, અલ્બા પ્રિમિયર હોટલ ગુરૂકૂળ જવાનું છે. રિક્ષાચાલકે ૧પ૦ રૂપિયા ભાડું કહેતા રવિન્દ્ર બેસી ગયો હતો. રિક્ષામાં બેસતાની સાથે જ રવિન્દ્રએ પોતાના મોબાઈલમાં ગૂગલ મેપમાં હોટલ સર્ચ કર્યું હતું.
રિક્ષા જ્યારે સાળંગપુર સર્કલ પહોંચી ત્યારે ચાલકે ગુરૂકૂળ જવા માટે યુ ટર્ન મારવાની જગ્યાએ ઘંટાકર્ણ માર્કેટથી ખોખરાબ્રિજ તરફ રિક્ષાવાળી હતી. મેપના આધારે રવિન્દ્રને શંકા જતાં તેણે રિક્ષાચાલકને કહ્યું હતું કે, મને કયાં લઈ જાવ છો.
રવિન્દ્રએ ચાલક સાથે વાત કરતાંની સાથે જ પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓએ બળજબરીપૂર્વક રવિન્દ્રના ખિસ્સામાં મૂકેલા ૧૩૦૦ રૂપિયા કાઢી લીધા હતા. ડ્રાઈવરની બાજુમાં બેઠેલા ગઠિયાએ છરી કાઢી હતી અને રવિન્દ્રને બતાવી હતી. રવિન્દ્ર છરી જોઈને ચૂપ થઈ ગયો હતો ત્યારે ડ્રાઈવર બોલ્યો હતો કે તારી પાસે બીજું જે કાંઈ છે તે મને આપી દે.
રવીન્દ્રએ કોઈ જવાબ ન આપતાં રિક્ષાચાલકે તેના સાગરિતોને ઓર્ડર કર્યો હતો કે, આને મારો. ગઠિયાઓએ ચાલુ રિક્ષામાં રવીન્દ્ર સાથે મારઝૂડ કરી હતી અને મોબાઈલ ફોન તેમજ બેગ ઝૂંટવી લીધા હતા. રવીન્દ્રને ચાલુ રિક્ષામાં માર માર્યા બાદ ગઠિયાઓએ તેને ધક્કો મારીને રિક્ષાની બહાર ફેંકી દીધો હતો. રવીન્દ્રને સામાન્ય ઈજા થઈ હતી. રવીન્દ્રને જ્યારે રિક્ષાની બહાર ફેંકયો ત્યારે તેણે રિક્ષાનો નંબર મગજમાં ફીટ કરી દીધો હતો.
જીજે૦૧ ટીજી ૭૮પર નંબરની રિક્ષામાં લૂંટનો બનાવ રવીન્દ્ર સાથે બન્યો હતો. લૂંટારું ટોળકી લૂંટ કરીને ગઈ ત્યારે તેમણે રવીન્દ્રની બેગ ચેક કરી હતી. જેમાં રૂ. કે કિંમતી સરસામાન ન મળતા અંતે તેને ફેંકી દીધી હતી. રવીદ્ર ચાલતો ચાલતો જતો હતો ત્યારે તેને તેની બેગ વેરવિખેર હાલતમાં મળી આવી હતી.
રવીન્દ્ર સીધો કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો અને તેની સાથે બનેલી સમગ્ર હકીકત જણાવી હતી. પોલીસ પણ રવીન્દ્ર સાથે બનેલી ઘટના સાંભળીને ચોંકી ઉઠી હતી. મોડી રાતે કાલુપુર રેલવે પોલીસે રિક્ષાચાલક ગેંગ વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.