Western Times News

Gujarati News

કાલુપુર સ્ટેશનના નવીનીકરણના કારણે અન્ય સ્ટેશનો પર ટ્રેનો રોકાતા મુસાફરો હેરાન

File Photo

વહેલી સવારે, મોડી રાત્રે આ પ્રકારના સ્ટેશન પરથી કયા જવું તેની જાણકારી આપવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. આ સ્થિતીમાં હાલમાં બહારગામથી આવતી કેટલીક ટ્રેનને કાલુપુરની જગ્યાએ સાબરમતી ચાંદલોડીયા, ગાંધીગ્રામ ઉભી રાખવામાં આવે છે. તો કેટલીક ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવામાં આવી રહી છે.

જોકે, રેલવે દ્વારા થતાં ફેરફારની જાણ તમામ મુસાફરો સુધી ન પહોચતા હાલમાં દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરોએ હાલાકી ભોગવવી પડી રહી છે.

કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી છેલ્લા કેટલાયય સમયથી ચાલી રહી છે. આગામી બેથી ત્રણ વર્ષમાં સંપૂર્ણ સ્ટેશનનું નવીનીકરણ પુર્ણ કરાશે તેવી શકયતાં છે. આ દરમયાન અનેક ટ્રેનોને કાલુપુરના બદલે અમદાવાદના જુદાજુદા સ્ટેશન પર રોકવામાં આવી રહી છે. તાજેતરમાં સોમનાથની આવતી ટ્રેનને કાલુપુરના બદલે ચાંદલોડીયા બી સ્ટેશન પર સવારે પ વાગે રોકવામાં આવી હતી.

ટ્રેનમાં મુસાફરી કરતાં લોકોના કહેવા પ્રમાણે અનેક મુસાફરો એવા હતા કે તેમને ચાંદલોડીયા ટ્રેન ઉભી રહેશે. તેની કોઈ જાણકારી પણ નહોતી. ચાંદલોડીયા સ્ટેશન પર કોઈપણ પ્રકારના વ્યવસ્થા ન હોવાના કારણે નાના બાળકો-વૃધ્ધ મુસાફરોએ ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી. ચાંદલોડીયા સ્ટેશનથી કાલુપુર કે સાબરમતી કે ગીતામંદીર બસ સ્ટેશને કયાથી જવું તેની પણ મોટાભાગના મુસાફરોને જાણકારી નહોતી.

કેટલાક રીક્ષાચાલકોએ ચાંદલોડીયા સ્ટેશન પર પહોચીને મુસાફરોને સાબરમતી કે કાલુપુર કે ગીતામંદીર લઈ જવાની ઓફર કરી પરંતુ જે પ્રમાણે રૂપિયા માંગવામાં આવતાં હતા તે જોઈને મુસાફરો પણ હેરાન થઈ ગયા હતા. મુસાફરોના કહેવા પ્રમાણે ચાંદલોડીયા રેલવે સ્ટેશનથી સૌથી નજીકનું બસ સ્ટેશન ચાણકયપુરીનું ડમરૂ સર્કલ હોવાથી અસંખ્ય મુસાફરોએ સામાન સાથે એકથી દોઢ કિલોમીટર ચાલીને બસ સ્ટેશને પહોચવું પડયું હતું.

રેલવે દ્વારા ટ્રેન કયા સ્ટેશને પર ઉભી રહેશે તેની આગોતરી જાણકારી આપવા ઉપરંત જે તે સ્ટેશન પર અજાણ્યા મુસાફરોને ચોકકસ જગ્યાએ પહોચવા માટે શું કરવું તેની જાણકારી આપવા માટે કોઈ અધિકારી કે કર્મચારી હાજર રહે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી હતી. આ ઉપરાંત ચાંદલોડીયા જેવા સ્ટેશન પર કે જયાં કે ખરેખર સ્ટેશન જેવી કોઈ વ્યવસ્થા જ નથી તે પ્રકારની જગ્યાએ મુસાફરોને હાલાકી નિવારણ માટેનું આયોજન કરવું જોઈએ તેવી માગણી પણ ઉઠી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.