વડતાલ ગોમતી કિનારે આચાર્ય મહારાજે શમી પૂજન તથા શસ્ત્ર પૂજન કર્યું
(પ્રતિનિધિ)વડતાલ, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામમાં શનિવારે દશેરાના શુભદિને આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા સંધ્યા ટાણે શમી પૂજન (ખીજડો) નું તથા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી, મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી, પૂ.ગોવિંદસ્વામી, પૂ.શ્યામસ્વામી, સહિત મોટી સંખ્યામાં સંતો-હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના ભુદેવ ધીરેનભાઇ ભટ્ટે શમી પૂજન તથા શસ્ત્રપૂજન કરાવ્યું હતું.
આ અંગે મુખ્ય કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે અધર્મ પર ધર્મનો વિજય, અંધકાર પર પ્રકાશનોને અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયા દશમી (દશેરા) વડતાલ ગોમતી કિનારે પૂર્વ દિશામાં જે છત્રી છે તે અતિ પ્રસાદીની છત્રી છે ત્યાંથી ઉત્તરમાં ખીજડો છે ભગવાન શ્રી સ્વામિનારાયણે દશેરાના દિને ખીજડાનું પૂજન કર્યું હતું.
ત્યારથી આ પરંપરા દરવર્ષે ચાલતી આવે છે. જેમા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય મહારાજ દશેરાના દિવસે સાંજના ગોમતી કિનારે ખીજડાનું (શમી) નું પૂજન તથા શસ્ત્ર પૂજન કર્યું હતું. દશેરાના શુભદિને રાજવી પરિવારો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ.
વડતાલ મંદિરમાં બિરાજમાન દેવોને દશેરાના શુભદિને અનુરૂપ શણગાર સાથે શૌર્યના પ્રતીકસમા શસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા. વિજયા દશમી હોવાથી દેવોને અસ્ત્ર શસ્ત્ર શણગારથી વિભુષિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામસ્વામીએ કર્યું હતું. દશેરાના દિને દેવોને ૫૦૦ કિલો ઘારીનો અન્નકુટ ધરાવાયો.