બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈ પોલીસના ચોંકાવનારા ખુલાસાઓ
નવી દિલ્હી, એનસીપીના દિગ્ગજ નેતા અને ઉદ્યોગપતિ બાબા સિદ્દીકીની હત્યા કેસની તપાસ કરતી મુંબઈ પોલીસ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.
મુંબઈ પોલીસે જણાવ્યું કે, બાબા સિદ્દીકીને ઓળખવા માટે આરોપીને બાબા સિદ્દીકીની ફોટો અને બેનરનો ફોટો આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ ટાર્ગેટ છે. ઘટનાના ૨૫ દિવસ પહેલા ઘર અને ઓફિસની પણ તપાસ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી શૂટર્સ ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપ યુટ્યુબ પર વીડિયો જોઈને શૂટ કરવાનું શીખ્યા હતા અને મુંબઈમાં (મેગેઝિન વિના) શૂટિંગની પ્રેક્ટિસ કરતા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં ૪ આરોપીઓની ધરપકડ કરી છે અને ત્રણ આરોપી હજુ પણ ફરાર છે. મુંબઈ પોલીસે કહ્યું કે આ કેસમાં આજે મળેલી કાળા રંગની બેગમાં તેમને ૭.૬૨ એમએમ ગન મળી છે.
પોલીસે વધુમાં જણાવ્યું કે, બાબા સિદ્દીકી હત્યા કેસમાં પકડાયેલો ચોથો આરોપી હરીશ વચેટિયા તરીકે કામ કરતો હતો. ધરપકડ કરાયેલા આરોપી પ્રવીણ અને શુભમ લોણકર (ફરાર આરોપી)એ ધરપકડ કરાયેલા શૂટર્સ ગુરમેલ સિંહ અને ધર્મરાજ કશ્યપને ૨ લાખ રૂપિયા આપ્યા હતા અને આ પૈસા ચોથા આરોપી હરીશ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા.
શૂટરોને પૈસાની સાથે બે મોબાઈલ ફોન પણ આપવામાં આવ્યા હતા. હરીશ છેલ્લા ૯ વર્ષથી પુણેમાં રહે છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીએ ચેટિંગ માટે સ્નેપચેટ એપ અને કોલ કરવા માટે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યાે હતો.મુંબઈ પોલીસનું કહેવું છે કે, બાબા સિદ્દીકીની હત્યાનું ષડયંત્ર ૩ મહિના પહેલા શરૂ થયું હતું, આરોપીઓ બાબા સિદ્દીકીના ઘરે હથિયારો વગર અનેકવાર ગયા હતા.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળેલી માહિતી મુજબ બાબા સિદ્દીકીની હત્યાનું સમગ્ર પ્લાનિંગ પૂણેમાં કરવામાં આવ્યું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં ૧૫થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે, જેમાં ઘટના સમયે હાજર રહેલા ઘણા પ્રત્યક્ષદર્શીઓનો પણ સમાવેશ થાય છે.SS1MS