Western Times News

Gujarati News

રાજકોટના તત્કાલિન TDO સાગઠિયાના જામીન નામંજૂર

(એજન્સી)રાજકોટ, રાજકોટના નાના મવા રોડ આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત તારીખ ૨૫ મે ૨૦૨૪ની સાંજના સમયે અગ્નિકાંડમાં ૨૭ લોકોના મોત થયા હતા જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી.

આ બનાવમાં ૧૬ શખ્સો સામે ગુનો નોધાયો હતો. જેમાં મહાનગરપાલિકના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાએ જામીન પર છૂટવા માટે અરજી કરી હતી અને નિર્દોષ હોવાની રજુઆત કરી હતી. જેની સામે સ્પે. પી.પી તુષાર ગોકાણીએ મનસુખ સાગઠીયાએ ૨૦૦૮થી ૨૦૨૪ સુધી કરેલ ડિમોલિશન કાર્યવાહી રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જેની દલીલના અંતે જામીન અરજી કોર્ટ દ્વારા ના મંજુર કરવામાં આવી છે.

બનાવની મળતી વિગત મુજબ રાજકોટ ટીઆરપી ગેમઝોન ઘટનામાં જામીન પર છૂટવા મનસુખ સાગઠીયાએ કરેલ જામીન અરજીની આજે સુનાવણીમાં સાગઠિયાએ પોતાનો બચાવ રજૂ કરતા દલીલ કરી હતી કે, ટીઆરપી ગેમઝોનનું ડિમોલિશન મનપાના કમિશનરે ન કર્યું. મારી પાસે ડિમોલિશનના પાવર્સ નથી. કમિશનર પાસે ડિમોલિશનની સત્તા છે. તેને આરોપી નથી બનાવાયા અગ્નિકાંડના આ કેસમાં મને ખોટી રીતે ફસાવી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટ દ્વારા આઈએએસ અને આઇપીએસ આધિકારીઓની જવાબદારી ફિક્સ કરવા અવલોકન કરી રહી છે ત્યારે જ સાગઠિયાએ કરેલ બચાવ ફરી ચર્ચામાં રહેશે.

આ તરફ કોર્ટ સમક્ષ સરકાર તરફે હાજર થયેલા સ્પે.પીપી તુષાર ગોકાણીએ વર્ષ ૨૦૦૮થી લઈ ૨૦૨૪ સુધીના સાગઠિયાએ કરેલા ડીમોલિશનના હુકમોનો રેકર્ડ રજૂ કરી દલીલ કરી કે, સાગઠિયાની જવાબદારી ફિક્સ છે. તેણે અગાઉ પણ આવી સ્થિતિમાં પોતાના સત્તા સ્થાનેથી આવા હુકમો કર્યા છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે, ગેરકાયદે બાંધકામ ટીપીઓ દૂર કરી શકે છે. જવાબદારીની છટકવાની વાત છે.

વર્ષ ૨૦૦૮થી અનેક નોટિસો સાગઠિયાએ ફટકારી છે. શું આ બધી નોટિસો ખોટી છે તેમજ સાગઠિયાએ પોતાનું ગુનાહિત કૃત્ય છુપાવવા અગ્નિકાંડના દિવસે રાતે એક વાગ્યે પોતાની ઓફિસે પહોંચી જુના રજિસ્ટરનો નાશ કરી નવા રજીસ્ટર બનાવેલ છે. પોતાનું કૃત્ય છુપાવવા આવી ગુનાહિત પ્રવૃત્તિ તેણે કરી છે.

ખોટી મિનિટ્‌સ નોટ સાથે કોર્ટમાં હાજર રહી પોતાનો બચાવ કર્યો છે. જેથી તેની વિરુદ્ધ અન્ય એક ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ દલીલના અંતે કોર્ટ દ્વારા આરોપી સાગઠીયાની જામીન અરજી ના મંજુર કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.