સ્માર્ટ સિટી અમદાવાદના 160 જંકશનો પર CCTVનો અભાવ
(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ૬,૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા શહેરમાં લગાવ્યા છે, જોકે મુખ્ય ચાર રસ્તાઓ પર આવેલા ટ્રાફિક જંકશનનો ઉપર સીસીટીવી કેમેરા પૂરતા પ્રમાણમાં લગાવવામાં આવેલા નથી.
અમદાવાદમાં કુલ ૨૯૦ જેટલા ટ્રાફિક જંકશન આવેલા છે, જેમાંથી માત્ર ૧૩૦ જેટલા ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા લાગેલા છે એટલે કે ૫૦ ટકાથી ઓછા જંકશન પર સીસીટીવી લગાવવામાં આવેલા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એક તરફ સ્માર્ટ સીટીની વાતો કરે છે પરંતુ, પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા લગાવેલા નથી.
અમદાવાદ શહેર કોંગ્રેસ લઘુમતી વિભાગના કાર્યકારી પ્રમુખ અને એડવોકેટ અતિક સૈયદે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬માં સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યા બાદ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટની રચના કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત સેફ એન્ડ સિક્યોર અમદાવાદ પ્રોજેક્ટ પાછળ ટ્રાફિક જંકશન ઉપર સીસીટીવી કેમેરા લગાવવાના હતા, જેમાં શહેરમાં આવેલા ૨૯૦ ટ્રાફિક જંકશન પર છ વર્ષમાં કુલ ૧૩૦ જેટલા જંકશન પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
આ ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા ચાલુ છે કે બંધ તે પણ એક મોટો સવાલ છે કારણ કે, આ ટ્રાફિક સિગ્નલ ઉપરના સીસીટીવી કેમેરા અંગેનું સંચાલન કરવાની જવાબદારી સ્માર્ટ સિટીની છે ત્યારે મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું ધ્યાને આવ્યું છે. ૨૦૨૧થી ૨૦૨૪ એમ છેલ્લા ત્રણ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી વિભાગ દ્વારા ટ્રાફિક સિગ્નલ ઉપર કેમેરા લગાવવામાં જ આવ્યા નથી.
છેલ્લા છ વર્ષમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા પાછળ ૧૬.૨૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ૧૩૦ જેટલા ટ્રાફિક જંકશન પર ૧૯૯૯ કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા લગાવવામાં ન આવ્યા હોવાના કારણે શહેરમાં બનતી ચોરી-લૂંટફાટ, અકસ્માત જેવી ઘટનાઓ પર નજર રાખી શકાતી નથી અને ગુનેગારોને પકડી શકાતા નથી.