મિડ-ડે મીલ સુપરવાઇઝરનો માસિક પગાર 25 હજાર કરાયો
મધ્યાહન ભોજન યોજનાના નિરીક્ષકોના પગારમાં દસ હજારનો વધારો
(એજન્સી)અમદાવાદ, શિક્ષણ વિભાગ દ્વારા આજે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં મિડ-ડે મીલ સુપરવાઈઝરના માસિક પગારમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં મિડ-ડે મીલ સુપરવાઇઝરનો માસિક પગાર કોન્ટ્રાક્ટના ધોરણે વધારીને રૂ.૨૫,૦૦૦ કરવામાં આવ્યો છે.
અગાઉ સુપરવાઈઝરને ૧૫,૦૦૦ રૂપિયા માસિક પગાર આપવામાં આવતો હતો. શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ તાલુકા સ્તરે કામ કરતા ૧૧ મહિનાના કરાર આધારિત સ્ડ્ઢસ્ સુપરવાઈઝરનો માસિક પગાર વધારીને ૨૫,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. આ વધારો ઓક્ટોબર ૨૦૨૪થી લાગુ થશે.
આ પરિપત્ર જાહેર થતાં રાજ્યના તમામ મધ્યાહન ભોજન નિરીક્ષકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. તમામ સુપરવાઈઝરને ૧૫,૦૦૦ રૂપિયાનો પગાર આપવામાં આવ્યો હતો. ત્યારે તમામ સુપરવાઇઝર માટે દિવાળીમાં રૂ.૧૦ હજારનો વધારો કરાયો હતો. આમ મધ્યાહન ભોજન યોજનાના નિરીક્ષકો માટે આ પગાર વધારો જાણે નવા જ પ્રકારના મધ્યાહન ભોજન સ્વરૂપ સમાન હતો.
ઘણાએ તો તેને દિવાળીની ભેટ સમાન ગણાવ્યો હતો.પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના હેઠળ તાલુકા કક્ષાએ ફરજ બજાવતા ૧૧ માસના કરાર આધારિત એમડીએમ સુપરવાઈઝરનો મહિને પગાર ૧૫ હજારથી વધારી ૨૫ હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે. આ વધારેલો પગાર નવેમ્બર મહિનાથી મળવા લાગશે. રાજ્ય સરકારે તાજેતરમાં જ વિવિધ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓના પે સ્કેલનું રિવિઝન કર્યુ છે.
તેમા જુદા-જુદા ખાતાઓના કરાર આધારિત સરકારી કર્મચારીઓના પગારમાં સીધો ૨૦ ટકાથી લઈને ૩૦ ટકાનો વધારો આપવામાં આવ્યો છે. આ જ સંદર્ભને ધ્યાનમાં રાખીને ભોજન નિરીક્ષકોના પગારમાં પણ રાજ્ય સરકારે નોંધપાત્ર પગાર વધારો કરવાનો નિર્ણય લીધો છે. તેના લીધે મધ્યાહન ભોજન નિરીક્ષકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.