ભાદરણમાં ગ્રામસંવાદમાં રજૂ થયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા મુખ્યમંત્રીની સૂચના
મુખ્યમંત્રીએ ભાદરણ ખાતે ગ્રામજનો સાથે સંવાદ કર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લાના ભાદરણ ખાતે આયોજિત જનસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે આ અવસરે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના હકારાત્મક ઉકેલની ખાતરી આપવાની સાથોસાથ ભાદરણમાં ઘર વિહોણા લોકો માટે વધુ બે એકર જમીન ફાળવવાની સ્થળ પર જ જાહેરાત કરી હતી.
આ ઉપરાંત, ગામમાં ગંદા પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જરૂરી અનુદાન ફાળવવા તથા ગ્રામસંવાદમાં રજૂ થયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ ભાદરણ ગામે સાધેલા વિકાસની સરાહના કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારત @ 2047 પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાત સૌના સહકારથી લીડ લઈ રહ્યું છે.