Western Times News

Gujarati News

કેનેડા જ અપરાધીઓને છાવરે છે, પ્રત્યાર્પણની ૨૬ અરજી પેન્ડિંગઃ ભારત

નવી દિલ્હી, ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારત પર દોષારોપણ કરનાર કેનેડા ગુનાખોરો અને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી મામલે તદ્દન બેજવાબદારીપૂર્ણ રીતે વર્તે છે.

ભારતે કેનેડાના આક્ષેપોનો જડબેસલાક વળતો જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતે કેનેડાને ખાલિસ્તાની આતંકીઓ ઉપરાંત બિશ્નોઈ ગેંગ સહિતના અપરાધીઓના પ્રત્યાર્પણની ૨૬ જેટલી વિનંતી મોકલી છે.

જેની પર હજી સુધી કેનેડાએ કોઈ કાર્યવાહી કરી નથી અને ઉલ્ટાનું ભારત પર દોષારોપણ કરી પોતાની નબળાઈ છુપાવી રહ્યું છે, જે યોગ્ય નથી. આ ઉપરાંત કેટલાંક અપરાધીઓની કામચલાઉ ધરપકડ માટેની ઘણી અરજીઓ પર પણ કેનેડાએ કોઈ કાર્યવાહી કરી નથી.

આ પૈકીના કેટલાંક આતંકવાદીઓ અને અપરાધીઓમાં ગુરજીત સિંહ, ગુરજિંદર સિંહ, ગુરપ્રીત સિંહ, લખબીર સિંહ લાન્ડા તથા અર્શદીપ સિંહ ગિલનો સમાવેશ થાય છે તેમ જણાવતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે કેનેડાની સરકારને સલામતી સંબંધિત માહિતીઓ પહોંચાડી છે.

અત્યાર સુધીમાં કેનેડાની સરકારે ભારતે કરેલી વિનંતીઓ પર કોઈ કાર્યવાહી કરી નથી. જે અત્યંત ગંભીર બાબત છે. એટલું જ નહીં અમે જે લોકો સામે કાર્યવાહી કરવા અને તેમના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી હતી તે લોકો હવે કેનેડામાં અપરાધ કરી રહ્યાં છે અને તે માટે તેઓ ભારતને દોષ આપી રહ્યાં છે. કેનેડાનું આ અતાર્કિક અને વિસંગતતાપૂર્ણ વલણ સમજાય નહીં તેવું છે તેમ તેમણે જણાવ્યું હતું.

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓની કટ્ટરપંથી કામગીરી અંગે લખતાં કેટલાંક ભારતીય મૂળના પત્રકારો પર થયેલાં હુમલા અંગે પણ ભારતે ચિંતા વ્યક્ત કરી હતી. કેનેડાના સાંસદ ચંદ્ર આર્યના જણાવ્યાં અનુસાર, ત્રાસવાદ વિરોધી લખાણ લખતાં પત્રકાર મોચા બેઝિરગનને કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓએ મોતની ધમકી આપી છે.

એટલું જ નહીં ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા વારંવાર હિન્દુ મંદિરો પર કરતાં હુમલાને રોકવામાં જસ્ટિન ટ્‌›ડો સરકાર સદંતર નિષ્ફળ રહી છે. હિંસા અને ધમકીઓ આપનારા લોકોને કેનેડા છાવરી રહ્યું હોવાના આ સ્પષ્ટ પુરાવા છે. આમ છતાં કેનેડા ભારત પર દોષારોપણ કરી પોતાની નબળાઈ છુપાવી રહ્યું છે, જે કારગર નહીં નિવડે તેમ જયસ્વાલે જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.