દિવ્યા કુમાર ખોસલાએ હવે કરણ જોહર પર નિશાન સાધ્યું
મુંબઈ, ટી-સિરીઝના ભૂષણ કુમારની પત્ની દિવ્યા કુમાર ખોસલાએ પહેલા જાહેરમાં આલિયા ભટ્ટ પર આરોપ મુકીને વિવાદાસ્પદ નિવેદન કર્યું, હવે તેણે કરણ જોહર પર નિશાન સાધ્યું છે.
અગાઉ તેણે ‘જિગરા’ની બોક્સ ઓફિસ સફળતા દર્શાવવા આલિયાએ ટિકિટ ખરીદી હોવાનું કહીને પુરાવા માટે ખાલી પડેલા થિએટરની તસવીર શેર કરી હતી. તેણે આ સાથે આલિયા પર છેતરપિંડીનો આક્ષેપ પણ મુક્યો હતો.હવે તેણે કરણ જોહર પર નિશાન સાધતાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, “મારા આક્ષેપોને દબાવી દેવા માટે કરણે હલકી કક્ષાની ભાષાનો ઉપયોગ કર્યાે છે.
તેણે મારા નિવેદનના જવાબમાં “મુરખ” શબ્દનો ઉપયોગ કર્યાે હતો. શું અયોગ્ય આચરણ સામે પ્રશ્ન ઉઠાવતી મહિલાને મૂર્ખ કહેવું વ્યાજબી છે? જો મારી સાથે આવું થતું હોય, તો જે લોકો ઇન્ડસ્ટ્રીમાં નવા છે તેમનું શું? અહીં કોઈ રાજા નથી કે તેની સાથે એવું વર્તન પણ થવું જોઈએ નહીં. હું પહેલાંથી જ જાણીતી છું.” આમ કહીને તેણે કરણ અને તેની પીઆર ટીમની ટીકા કરી હતી.
હવે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં દિવ્યાએ આલિયાનો પક્ષ લેતાં એવું કહ્યું કે, આલિયા પહેલાંથી જ લોકપ્રિય અને પોતાની જાતને સાબિત કરી ચૂકેલી એક્ટ્રેસ છે, તેણે આવી સાંઠ-ગાંઠમાં પડવાની કોઈ જરૂર નથી. સાથે તેણે ભારપૂર્વક એવું પણ કહ્યું કે ખરી બહાદુરી ખોટું થતું હોય તેની સામે ઊભા રહેવામાં છે અને દર્શકો નક્કી કરે છે કે ફિલ્મની સફળતા કેટલી હોવી જોઈએ, તેનો આધાર પૈસા અને યેનકેન રીતે પ્રભાવ પાડવા પર ન હોવો જોઈએ.
ફિલ્મની બોક્સ ઓફિસની કમાણી સાથે છેડછાડ બાબતે દિવ્યાએ વધુમાં જણાવ્યું, “કોવિડ પછી કેટલાક નાના પ્રોડક્શન હાઉસ બંધ થઈ ગયા છે અને જેમને આર્થિક ટેકો હતો એ જ ટકી શક્યા છે. હું ખાલી થિએટર જોઉં છું અને છતાં જિગરાના પહેલા દિવસના આંકડા મોટા આવે છે, તેમાં કોઈ ગંભીર સુધારાની જરૂર જણાય છે.”
આગળ દિવ્યાએ કહ્યું,“આપણે કોઈ સ્ટોક માર્કેટ નથી, પણ સર્જનાત્મક લોકો છીએ, પરંતુ આવા ખોટા આંકડા જાહેર કરીને કેટલાક મીડિયા હાઉસ ખરાબ ફિલ્મોને પ્રોત્સાહન આપે છે. જ્યારે સારી ફિલ્મની સફળતા વિશે કોઈ વાત કરતું નથી.
આ પ્રકારના લોકો ખોટી ટિકીટ ખરીદીને ખોટા આંકડા બતાવીને નક્કી કરે છે કે કઈ ફિલ્મ સફળ થશે અને કઈ નિષ્ફળ. તેઓ એ સાબિત કરે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં માત્ર પૈસાવાળા લોકો જ ટકી શકશે, જ્યારે નવા લોકોને પ્રવેશ કરવા માટે પણ સંઘર્ષ કરવો પડશે.”વાસન બાલાની ફિલ્મ જિગરા ૧૧ ઓક્ટોબરે રિલીઝ થઈ છે, જેણે પહેલા દિવસે ૪.૫૫ કરોડની કમાણી કરી છે અને પહેલા અઠવાડિયે ૧૬.૭૫ કરોડની કમાણી કરી છે.