Western Times News

Gujarati News

વસ્ત્રાલમાં નબળી ગુણવત્તાનો રોડ બનાવનાર કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરવા નિર્ણય

માત્ર એક જ વર્ષમાં પી.કયુ.સી રોડ પર ખાડા પડી ગયા હતા:કોન્ટ્રાકટરના બાકી પેમેન્ટ રૂ.ર કરોડ જમા લેવામાં આવશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,અમવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં બે વર્ષ અગાઉ બનાવવામાં આવેલ બહુચર્ચીત આરસીસી રોડના કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. કોન્ટ્રાકટરે નબળી ગુણવત્તાનો રોડ બનાવ્યા બાદ તેના રીપેરીંગ માટે પણ ઠાગાઠૈયા કરતા વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ વસ્ત્રાલ વિસ્તારના નિરાત ચોકડીથી ક્રિષ્ના પાર્ક થઈ મહાદેવ સ્કાય સુધી પીક્યુસી રોડ બનાવવા જાન્યુઆરી- ર૦ર૧માં ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં બી પટેલ ઈન્ફા. પ્રા.લિ.ને ૯.પર ટકા વધુ ભાવથી ૧૬ માસમાં કામ પૂર્ણ કરવાની શરતે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. સદર રોડ માટે કુલ ખર્ચ પ કરોડ ૬૪ લાખના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા હતાં. કોન્ટ્રાકટરે નિયત મર્યાદામાં એટલે કે લગભગ ડીસેમ્બર ર૦રરમાં રોડના કામ પુરા કરી દીધા હતા જેથી તેને પાંચ તબક્કામાં રૂ.૩ કરોડ પ૯ લાખના પેમેન્ટ પણ ચુકવવામાં આવ્યા હતાં પરંતુ થોડા સમયમાં જ તે બાબત જાહેર થઈ શકે રોડની ગુણવત્તા અત્યંત નબળી છે તથા રોડની સરફેસ પર ઈરોજન તથા પોર્ટ હોલ્સ જોવા મળ્યા હતાં.

તેથી આ બાબતે વિજીલન્સ વિભાગની હાજરીમાં ઓગસ્ટ- ર૦ર૩માં કુલ ૬ નંગ પીક્યુસી કોર લેવામાં આવ્યા હતાં જેનું ટેસ્ટીગ ગેરી બરોડા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રીઝલ્ટ ફેલ ગયા હતાં. ત્યારબાદ ફરી એકવાર ફેબ્રુઆરી-ર૦ર૪માં કન્સલટન્ટની સુચના મુજબ ફરીથી ૩૦ નંગ પીક્યુસી કોર લેવામાં આવ્યા હતાં જેના પરિણામ નિષ્ફળ સાબિત થયા હતા તેથી વિજીલન્સ વિભાગે આ બાબતમાં કોન્ટ્રાકટરે હલકી ગુણવત્તાનો માલ વાપર્યો હોવાનું જાહેર થયું હતું તથા કોન્ટ્રાકટર દ્વારા રોડ નવી મેથડ મુજબ રીપેર કરી આપવા હુકમ કર્યો હતો.

મ્યુનિ. રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા વસ્ત્રાલના રોડ કોન્ટ્રાકટરને નવી પધ્ધતિથી કામ કરવા અવારનવાર પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી તેમજ ઉચ્ચકક્ષાએ યોજાતી રીવ્યુ મીટીંગમાં રૂબરૂ બોલાવી રોડના રેક્ટીફિકેશનનું કામ તાકિદે પૂર્ણ કરવા સુચના આપી હતી પરંતુ કોન્ટ્રાકટરે આ મુદ્દે આંખ આડા કાન કરતા અન્ય કોન્ટ્રાકટર પાસેથી સમગ્ર રોડ પર ફરીથી કામ કરાવવામાં આવ્યું હતું તેથી રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા આ કામના કોન્ટ્રાકટર બી પટેલ ઈન્ફા. પ્રા.લિ.ને પાંચ વર્ષ માટે કાળી યાદીમાં મુકવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોન્ટ્રાકટર દ્વારા જમા કરાવવામાં આવેલ બેંક ગેરંટીની રકમ ઈજનેર ખાતે અનામત જમા લેવાની અને તેના બાકી નીકળતી રકમ સદર રોડના રીપેરીંગ કામ માટે કરવામાં આવેલ ખર્ચના પેમેન્ટ ચુકવવા માટે ઉપયોગમાં લેવા નિર્ણય કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.