સંજેલી બાયપાસ રોડ પર ઠેર ઠેર ગાબડાથી વાહન ચાલકો હેરાન
સંજેલી તાલુકાના ભંગારમાં ફેરવાયેલા રસ્તાની હાલત ન સુધારતા લોકોમાં નારાજગી મોટાભાગના ખરાબ રોડ અને ખાડા તેમજ ધૂળની ડમરીઓના કારણે લોકો ત્રાહિમામ પોકારી
સંજેલી: સંજેલીમાં ગયા વર્ષના ભારે વરસાદથી સંજેલી બાયપાસ સહિત તાલુકાના મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા હતા જોકે તાલુકાના મુખ્ય માર્ગોનું ભારે વરસાદમાં ધોવાણની સાથે તંત્રની અાભરુનું ધોવાણ થયું હતું ચોમાસુ વીત્યું અને પૂર્ણ કર્યા બાદ ફરી માર્ગમાં મસમોટા ગાબડા પડી જતાં મોટા ભાગના માર્ગની ખરાબ હાલત અને સતત ઉડતી ધૂળની ડમરીઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ માર્ગોનું યોગ્ય રિપેરિંગ કરી નવીનીકરણ કરવામાં આવે તેવી તાલુકાની પ્રજાની માંગ છે
ગયા વર્ષે ચોમાસામાં ભારે વરસાદને કારણે સંજેલી તાલુકાના બાયપાસ સહિતના મુખ્ય માર્ગો તેમજ ગામડાના માર્ગો ખેદાન મેદાન કરી નાખ્યા છે ત્યારે ચોમાસા બાદ તંત્ર દ્વારા મુખ્ય માર્ગો પર મરામત કરવામાં આવી હતી જે મરામત ટૂંક સમયમાં જ ફરી વેર વિખેર થઇ જતાં મુખ્ય માર્ગો પર હાલ ઢીચણ સમા ખાડા પડી જવાથી વાહન ચાલકો તે તેમજ રાહદારીઓને મોટો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જેના કારણે નાના મોટા બનાવો પણ બનતા હોય છે ત્યારે કોઇ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા વહીવટી તંત્ર દ્વારા રોડ પર પડેલા ખાડાની મરામત કરવામા આવે તે જરૂરી છે