Western Times News

Gujarati News

૧૧માં ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકના ત્રાસથી કર્યો આપઘાત..

વીડિયોમાં લગાવ્યા ગંભીર આરોપ

(એજન્સી)રાજકોટ,રાજકોટના મોટાવડા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ૩ શિક્ષકોની ધમકીથી ડરી જઇ સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ચકચારી ઘટના બની છે. જેના બાદ આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ શાળા ખાતે તપાસ માટે પહોંચી હતી અને સરપંચ સહિતના ગ્રામજનો પણ ત્યાં પહોંચ્યા હતા.

શિક્ષિકા મોસમી શાહ, શિક્ષક સચિન વ્યાસ અને જ્ઞાન સહાયક વિભૂતિબેન દ્વારા આપવામાં આવેલી ધમકીના પગલે વિદ્યાર્થીએ આપધાત કરી લીધો હતો. જે મામલે વિદ્યાર્થીના પરિવારજનો દ્વારા શિક્ષકોને સસ્પેન્ડ કરવાની સાથે ૧૦ વર્ષની સજાની માંગ કરવામાં આવી છે. તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક દૃષ્ટિએ થયેલી તપાસમાં કોઈ કારણ સામે આવ્યું નથી.

આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા ધોરણ ૧૧ ના વિદ્યાર્થી ધ્રુવિલ વરુના કાકા રમેશભાઈ વરુએ જણાવ્યું હતું કે, મારો ભત્રીજો ધ્રુવિલ ૧૨ઃ૩૦ વાગ્યે મોટા વડા સ્કૂલેથી છાપરા ગામે ઘરે આવ્યો અને ઘરે કોઈ હતું નહીં. જેથી તેને સ્યુસાઈડ નોટ લખી અને પછી વીડિયો ઉતાર્યો અને પછી તુરંત જ આપઘાત કરી લીધો. પિતાનો એકના એક સંતાને આપઘાત કરી લીધો છે. જેથી અમને ન્યાય મળવો જોઈએ અન્ય કોઈ વિદ્યાર્થી સાથે આ પ્રકારની ઘટના ન બને તેવી અમારી માંગણી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે ૧૧ઃ૩૦ વાગ્યે શાળાએથી છૂટી ગયા બાદ વિદ્યાર્થીને ફરી શાળામાં બોલાવવામાં આવ્યો અને શિક્ષકો દ્વારા ધમકાવવામાં આવ્યો કે તને સજા પડશે અને પોલીસવાળા ઉપાડી જશે. જેથી ધ્રુવિલ ગભરાઈ ગયો હતો. ૨ શિક્ષિકા અને ૧ શિક્ષક દ્વારા ધમકી આપવામાં આવી હતી. પુત્રના આપઘાતથી ગઈકાલથી પૂરો પરિવાર સૂતો નથી. મારો ભત્રીજો સ્કૂલનો મોનિટર હતો અને ભણવામાં ખૂબ હોશિયાર હતો. ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને ૧૦ વર્ષની સજા થવી જોઈએ અને ફરી નોકરી ન મળવી જોઈએ તેવી અમારી માંગણી છે.

હું ખેતીકામ કરું છું અને ધ્રુવીલના માતા-પિતા અભણ છે અને ઢોર ચરાવવાનું કામ કરે છે. મારો ભત્રીજો સ્કૂલેથી ઘરે આવવા માટે બસમાં બેઠો ત્યારે તેણે તેના મિત્રોને વાત કરી હતી કે મને મજા નથી આવતી. ધોરણ ૧૦ માં ૭૦% થી વધુ માર્ક્‌સ આવ્યા હતા અને પરીક્ષામાં ચોરી કરતો હોય તો વિદ્યાર્થીને મૌખિક જ્યારે પૂછવામાં આવ્યું તો ત્યારે બધું આવડી ગયું હતું.

જ્યારે તપાસ અધિકારી અલ્પાબેન જોટાંગિયાએ જણાવ્યું હતું કે, હાલ સરપંચ સહિતના તમામના નિવેદન લેવામાં આવ્યા છે પ્રાથમિક દ્રષ્ટિએ થયેલી તપાસમાં વિદ્યાર્થીને આપઘાતનું કોઈ કારણ સામે આવ્યું નથી અહીં ચાર શિક્ષકો અભ્યાસ કરાવતા હતા અને ૧૭૨ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તો કે હાલ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના નું નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે. આ દરમિયાન લોધિકા પોલીસ મથકનો સ્ટાફ અહીં પહોંચી ગયો હતો અને નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જમના દ્વારા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની સાથે ગ્રામજનોના નિવેદન લેવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.