Western Times News

Gujarati News

મુખ્યમંત્રી એ વડોદરા વહીવટીતંત્રને આડા હાથે લીધું

પી.એમ.કે સી.એમ. આવે તો જ સફાઈ તેવી ન જોઇએ : ભૂપેન્દ્રભાઈ પટેલ

(પ્રતિનિધિ)અમદાવાદ,વડોદરા તો સંસ્કાર નગરી છે અને એટલે જ સ્વચ્છતાને સ્વભાવ બનાવીને તેને સંસ્કારમાં ઉતારવો પડે. માત્ર સીએમ અને પીએમ આવે ત્યારે જ સફાઈ થાય તેવું ના હોવું જોઈએ. વડાપ્રધાને સફાઈ અભિયાન શરૂ કર્યું છે ત્યારે આપણે બધાએ તેમાં જોડાવું પડશે. સરકાર અને કોર્પોરેશન તો આ કામ કરશે પણ વડોદરાના લોકોએ સાથે રહીને આ કામ કરવાનું છે.’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 19 ઓક્ટોબરે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજિત સ્ટાર્ટઅપ સિનર્જી નામના કાર્યક્રમમાં હળવી શૈલીમાં આવી ટકોર કરી હતી.

વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના વહીવટીતંત્રના અધિકારીઓને અરીસો બતાવતું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. આ પહેલા પણ વડોદરાની એક મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘વડોદરા બીજા શહેરો કરતા કેમ પાછળ રહી ગયું છે તેના કારણો તપાસવા જોઈએ.’ આ નિવેદન આજે પણ વડોદરાના રાજકીય વર્તુળોમાં છાશવારે ચર્ચાતું હોય છે ત્યારે તેમણે આજે કરેલી વાત પણ ઘણી સૂચક હતી.

વડોદરા કોર્પોરેશનના શાસકો જ્યારે પણ સીએમ કે પીએમ આવવાના હોય ત્યારે શહેરને કામચલાઉ સુંદર બનાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરે છે. તેમના રૂટ પરથી દબાણો હટાવી દેવાય છે, રસ્તા પરથી ગંદકી દૂર થઈ જાય છે અને ટ્રાફિક નિયમન પણ યોગ્ય રીતે થવા માંડે છે.  એટલું જ નહીં, ક્યારેક  તો બ્યુટિફિકેશનની કામગીરી પણ થઈ જાય છે. જો કે મુખ્યમંત્રી અને વડાપ્રધાનની મુલાકાત પૂરી થાય તે પછી પરિસ્થિતિ પહેલાજેવી જ થઈ જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.