ડિજિટલ માર્કેટિંગના ટાસ્ક પૂરા કરવાનું કહી સાયબર ગઠિયાએ ૨૫ લાખ પડાવ્યા
૧૨ હજાર ઉપાડવા દીધા, તેને પગલે યુવકને વિશ્વાસ બેઠો કે પૈસા મળી જાય છે
ટેલિગ્રામ પર યુવકને મેસેજ આવ્યો કે અને ટાસ્ક પૂરા કરી લાખો રૂપિયા કમાવાની ઓફર કરવામાં આવી હતી
અમદાવાદ,સોશિયલ મીડિયા પર એક્ટિવ સાયબર ઠગથી એલર્ટ રહેવા પોલીસ દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે જ અમદાવાદના એક યુવા વેપારી આ કાંડનો ભોગ બન્યો હતો અને રૂ. ૨૫ લાખ ગુમાવ્યા હતા. ટેલિગ્રામ પર યુવકને મેસેજ આવ્યો કે અને ટાસ્ક પૂરા કરી લાખો રૂપિયા કમાવાની ઓફર કરવામાં આવી. યુવકે રસ દાખવતાં પહેલા તેની પાસેથી રૂ. ૧૦ હજાર લેવામાં આવ્યા અને થોડા રૂપિયા જમા થયા બાદ યુવકને રૂ. ૧૨ હજાર ઉપાડવા પણ દેવાયા હતા.
તેથી યુવકને આ સ્કીમ પર ભરોસો બેઠો. ત્યાર બાદ તેની પાસેથી સાયબર ગઠિયા રૂ. ૨૫ લાખ પડાવી ગયા. આ બાબતે યુવકે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે.વસ્ત્રાલમાં રહેતો અપૂર્વ પટેલ ફેબ્રિકેશનનો ધંધો કરે છે. ૧૩ માર્ચ ૨૦૨૪ રોજ ટેલિગ્રામ પર અપૂર્વ પર એક એફિલટ માર્કેટિંગ કરવા માટેનો મેસેજ આવ્યો હતો. અપૂર્વે થોડો રસ દાખવતા અજાણી વ્યક્તિએ તેને સાદો ફોન કર્યાે હતો અને વાતચીત કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેનું એક આઈડી
બનશે ત્યારબાદ તેને માર્કેટિંગ માટેના ટાસ્ક કાપવામાં આવશે અને આ ટાસ્ક પૂરા કર્યા બાદ તેને પેમેન્ટ કરવામાં આવશે.
જો તેને આઇડી ઓપન કરવું હોય તો મિનિમમ ૧૦ હજાર રૂપિયા જમા કરવા પડશે. અપૂર્વે પોતાની બેંકની ડિટેલ આપીને ૧૦ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. અપૂર્વ પાસેથી બીજા ૧૦ હજાર રૂપિયાની માગણી કરવામાં આવી. જેથી અપૂર્વે બીજા ૧૦ હજાર રૂપિયા ભર્યા હતા. અપૂર્વનું બેલેન્સ રૂ. ૧૨૪૫૨ થયું ત્યારે અપૂર્વે પૈસા વિડ્રો કરવાની રિક્વેસ્ટ મૂકતા તેને ૧૨ હજાર રૂપિયા પરત મળ્યા હતા. તેથી તેને આ સ્કીમ પર ભરોસો બેઠો હતો. ત્યારબાદ પણ અપૂર્વએ ટાસ્ક પૂરા કર્યા પરંતુ તેનું બેલેન્સ માઇનસમાં બતાવતા હતા.
તેથી સામેવાળી વ્યક્તિએ તેને વધારે પૈસા ભરવાનું કહ્યું હતું. તેથી તેણે બીજા રૂ. ૧૦,૦૦૦ ભર્યા. ત્યારબાદ અપૂર્વે અલગ અલગ ટ્રાન્જેક્શન કરીને કુલ ૨૫ લાખ ભર્યા પરંતુ તેનું એકાઉન્ટ હજુ પણ માઇનસમાં હતું. તેથી સામેવાળી વ્યક્તિને જાણ કરી ત્યારે સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે હજુ વધુ પૈસા ભરવા પડશે. આમ પૈસા મેળવવાની લાલચમાં અપૂર્વ સાથે ૨૫ લાખની છેતરપિંડી થઈ હતી. આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ss1