Western Times News

Gujarati News

સલમાનના શત્રુ લોરેન્સ બિશ્નોઈના જીવન પર વેબ સિરીઝ બનશે

છેલ્લા ૧૦ વર્ષથી જેલવાસ ભોગવી રહેલો લોરેન્સ હાલ ૩૨ વર્ષનો છે

લોરેન્સ બિશ્નોઈની ગેંગે જ કેનેડામાં કુખ્યાત ખાલિસ્તાની નિજ્જરની હત્યા કરી હોવાનું મનાય છે

મુંબઈ,બોલિવૂડના દબંગ સ્ટારના કટ્ટર દુશ્મન અને બાબા સિદ્દિકી જેવા કદાવર નેતાના હત્યારા તરીકે લોરેન્સ બિશ્નોઈનું નામ જાણીતું થયું છે. લોરેન્સ બિશ્નોઈની ગેંગે જ કેનેડામાં કુખ્યાત ખાલિસ્તાની નિજ્જરની હત્યા કરી હોવાનું મનાય છે. આ મામલે ભારત-કેનેડા વચ્ચેના સંબંધોમાં ઘણી ખટાશ આવી છે. સોશિયલ મીડિયા પર એક વર્ગ બિશ્નોઈને દેશભક્ત ગેંગસ્ટર ગણાવી રહ્યો છે, જ્યારે બીજો વર્ગ તેને સભ્ય સમાજનો દુશ્મન માને છે. લોરેન્સ બિશ્નોઈ અંગે ચાલી રહેલી ચર્ચાઓનો લાભ મળવાની આશા સાથે તેના જીવન પર વેબસિરીઝ બનાવવાનું આયોજન છે.

જાની ફાયરફોક્સ ફિલ્મ પ્રોડક્શન દ્વારા ‘લોરેન્સ-એ ગેંગસ્ટર સ્ટોરી’ નામથી વેબ સિરીઝ બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. સિરીઝના ટાઈટલને ઈન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિએશન સમક્ષ રજિસ્ટર કરાવી લેવાયું છે. આ સિરીઝમાં બિશ્નોઈને કોલેજના વિદ્યાર્થીમાંથી ખૂંખાર ગુનેગાર બનાવનારી ઘટનાઓને રજૂ કરવામાં આવશે. લોરેન્સ બિશ્નોઈની ઉંમર હાલ ૩૨ વર્ષની છે અને તે ૨૦૧૪ના વર્ષથી જેલવાસ ભોગવી રહ્યો છે. એટલે કે માત્ર ૨૨ વર્ષની ઉંમરથી જેલમાં છે અને જેલમાં રહીને તે પોતાની ગેંગ ચલાવી રહ્યો છે.

ભારત ઉપરાંત વિદેશમાં પણ તેના સાગરિતો છે અને તે જેલમાં રહીને પણ મોટા ગુનાઓને અંજામ આપતો હોવાનું કહેવાય છે. જાની ફાયરફોક્સ ફિલ્મ પ્રોડક્શન્સના વડા અમિત જાનીએ અગાઉ ‘ટેઈલર મર્ડર સ્ટોરી’ અને ‘કરાચી ટુ નોઈડા’ જેવા સત્યઘટના આધારિત પ્રોજેક્ટ્‌સ પર કામ કરેલું છે. લોરેન્સ બિશ્નોઈના જીવન આધારિત સિરીઝને તેઓ કઈ રીતે રજૂ કરશે તે જોવું રસપ્રદ રહેશે. લોરેન્સ બિશ્નોઈએ પંજાબમાં યુનિવર્સિટીના રાજકારણથી શરૂઆત કરી હતી અને ખૂબ ઝડપથી વિદ્યાર્થી નેતા તરીકે ઊભરી આવ્યો હતો.

કેમ્પસના ઝઘડા જ તેને ગુનાખોરી તરફ દોરી ગયા અને કોલેજમાં ભણવાની ઉંમરથી તે જેલમાં છે. ૧૦ વર્ષ જેલમાં રહ્યા બાદ પણ તે માત્ર એક ફોનથી દુનિયાના કોઈ પણ ખૂણામાં હત્યા-અપહરણ કે ફાયરિંગ જેવા ગુના કરાવી શકતો હોવાનું કહેવાય છે. બિશ્નોઈ સાથે જોડાયેલી ઘટનામાંથી કેટલી હકીકત છે અને કેટલી કલ્પના છે, તેનો અંદાજ બાંધવો અઘરો છે ત્યારે આ સિરીઝ માટે ઉત્સુકતા રહેવાનું નિશ્ચિત છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.