Western Times News

Gujarati News

સુરત રેલ્વે સ્ટેશન નજીકથી ૯ કિલોથી વધારે સોના સાથે એકની અટકાયત

સુરતમાં વધુ એક વખત સોનું ઝડપાયું છે. શહેરમાંથી ૯ કિલોથી વધુનું સોનું પકડાયુ છે, જેની અંદાજિત કિંમત ૭ કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. DRI અને કસ્ટમ વિભાગના સંયુકત ઓપરેશનમાં મોટી માત્રામાં સોનું પકડાયું છે.

હાલમાં DRI અને કસ્ટમ વિભાગે ગૌતમ નામના ઈસમની અટકાયત કરી છે અને સોનું ક્યાંથી લાવ્યા અને કોને આપવાનું હતું, તેને લઈને તપાસ શરૂ કરી છે. આ વ્યક્તિ ટ્રેન મારફતે સોનું સુરત લાવ્યો હતો અને એજન્સીઓના અધિકારીએ ઝડપી લીધો છે.

ઉલ્લેખનીય છે કે ૧૫ ઓક્ટોબરે પણ સુરતમાંથી ગોલ્ડ સ્મગલિંગમાં વોન્ટેડ પકડાયો હતો. વોન્ટેડ આરોપી ફૈઝલ મેમણ ટ્રેનમાંથી પકડાયો હતો અને આ ઈસમ પાઉડરની આડમાં સોનાની દાણચોરીમાં વોન્ટેડ હતો. આ કેસમાં મહિલા સહિત ૪ આરોપી જુલાઈ મહિનામાં પકડાયા હતા. દુબઈથી લાવવામાં આવેલું ૯૨૭ ગ્રામ સોનું પકડાયું હતું. ચારેય પાસેથી ૬૭.૮૯ લાખનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. સોનાની અંદર કેમિકલ મિક્સ કરીને સ્પ્રે છંટકાવ કર્યો હતો અને બેગની અંદર ચિપકાવીને સોનું લાવવામાં આવ્યું હતું. જો કે ઈમિગ્રેશન સિક્યુરિટીને પણ ચેકિંગમાં ખબર પડી ન હતી.

હાલમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ પણ સોનાના ભાવમાં મોટી ઉછાળો આવવાની શક્યતાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં લગભગ એક તોલા સોનાના ભાવની કિંમત રૂપિયા ૭૯,૦૦૦ને પાર છે. ત્યારે દિવાળીના પર્વમાં સોનુ -ચાંદી ખરીદવું લોકો માટે મોંઘું બન્યું છે. ૩૦ સપ્ટેમ્બરે સોનાનો ભાવ ૭૭૦૦૦ને આસપાસ હતો. ત્યારે ચાંદીના ભાવે પણ સર્વોચ્ચ સપાટી વટાવી છે. એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા ૯૪,૩૦૦એ પહોંચ્યો છે. ત્યારે ૨ મહિનામાં સોનાના ભાવમાં ૧૦ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હલચલને લઈ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.