Western Times News

Gujarati News

ભારત ચીન વચ્ચે સૌથી મોટો કરાર,એલએસી પર પેટ્રોલિંગ અંગે સહમતિ સધાઈ

Files Photo

બંને દેશ એલએસીમાંથી સૈનિકો હટાવશે, ગલવાન જેવી અથડામણને ટાળી શકાશે

(એજન્સી)નવી દિલ્હી,બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાગીદારી પહેલાં ભારત અને ચીન વચ્ચે એક મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર પેટ્રોલિંગ કરવા સંમત થયા છે. આનાથી પૂર્વી લદ્દાખમાં બંને દેશ વચ્ચેના સરહદી વિવાદનો ઉકેલ આવી શકે છે અને સંઘર્ષ પણ ઓછો થઈ શકે છે.ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિંશ્રીએ સોમવારે આ સમજૂતી અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારત અને ચીનના અધિકારીઓ આ મુદ્દે છેલ્લાં કેટલાંય અઠવાડિયાંથી વાત કરી રહ્યા હતા.

મંત્રણામાં સેનાના અધિકારીઓ પણ સામેલ હતા.અહેવાલો અનુસાર, પેટ્રોલિંગની નવી સિસ્ટમ પર સહમત થયા પછી બંને દેશો તેમની સેના પાછી ખેંચી શકે છે. હાલમાં સૈનિકોને ડેપસાંગ મેદાન ડેમચોકમાં પેટ્રોલિંગ પોઈન્ટ પર જવાની મંજૂરી નથી. નવો કરાર આ મુદ્દાઓ સાથે સંબંધિત છે. આ સાથે ૨૦૨૦ના ગલવાન જેવા સંઘર્ષને ટાળી શકાય છે.૧ ઓક્ટોબરે ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે ચીન સાથે ભારતની સ્થિતિ સ્થિર છે, પરંતુ એ સામાન્ય નથી, એ એકદમ સંવેદનશીલ છે. આપણે લડવું પડશે, સહયોગ કરવો પડશે, સાથે રહેવું પડશે, ચીનનો મુકાબલો કરવો પડશે અને એને પડકારવો પડશે.

તેમણે કહ્યું હતું કે એપ્રિલથી ભારત અને ચીન વચ્ચે ૧૭ કમાન્ડર સ્તરની બેઠકો થઈ છે. અમે આ બેઠકોમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે.વિદેશમંત્રી જયશંકરે ૧૨ સપ્ટેમ્બરે સ્વિટ્‌ઝર્લેન્ડના જીનિવામાં સમિટ દરમિયાન કહ્યું હતું કે ચીન સાથેના ૭૫% વિવાદનો ઉકેલ આવી ગયો છે. વિદેશમંત્રીએ એમ પણ કહ્યું હતું કે સરહદ પર વધતા લશ્કરીકરણનો મુદ્દો હજુ પણ ગંભીર છે. જયશંકરે કહ્યું હતું કે ૨૦૨૦માં ચીન અને ભારત વચ્ચે ગલવાન અથડામણથી બંને દેશોના સંબંધો પર ખરાબ અસર પડી છે.

સરહદ પર હિંસા થયા બાદ અન્ય સંબંધો પર એની અસર નહીં થાય એવું કોઈ કહી શકતું નથી, જોકે ૨૫ સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે તેમના નિવેદનની સ્પષ્ટતા કરી કે ૭૫% વિવાદો ઉકેલાઈ જશે. તેમણે કહ્યું, ‘મેં આ માત્ર સૈનિકોની પીછેહઠના સંદર્ભમાં કહ્યું હતું.
સપ્ટેમ્બરની શરૂઆતમાં વિદેશ મંત્રાલયે ભારત-ચીન સંબંધોની વર્તમાન સ્થિતિ અંગે અપડેટ આપી હતી. તેમણે કહ્યું હતું કે સતત સંવાદ અને કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન મીટિંગ્સ માટે કાર્યકારી મિકેનિઝમ દ્વારા તણાવને ઉકેલવાના પ્રયાસો ચાલુ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે વિદેશમંત્રી એસ. જયશંકરે ચીન સાથેના સંબંધો પર અનેક મંચો પર સતત ચર્ચા કરી છે.

૧૫ જૂન ૨૦૨૦ના રોજ ચીને પૂર્વ લદ્દાખના સરહદી વિસ્તારોમાં કવાયતના બહાને સૈનિકો તહેનાત કર્યા હતા. આ પછી ઘણી જગ્યાએ ઘૂસણખોરીની ઘટનાઓ બની હતી. ભારત સરકારે પણ આ વિસ્તારમાં ચીન જેટલી જ સંખ્યામાં સૈનિકો તહેનાત કર્યા હતા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે એલએસી પર ગોળીઓ છોડવામાં આવી. આ દરમિયાન ૧૫ જૂને ગલવાન ઘાટીમાં ચીની સેના સાથેની અથડામણમાં ૨૦ ભારતીય જવાન શહીદ થયા હતા. બાદમાં ભારતે પણ આનો જડબાતોડ જવાબ આપ્યો હતો,

જેમાં લગભગ ૬૦ ચીની સૈનિકો માર્યા ગયા હતા. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે લાઓસમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં નેતાઓ વચ્ચે ભારત-ચીન સરહદ વિવાદ પર ચર્ચા કરવામાં આવી હતી. જયશંકરે ચીનના વિદેશમંત્રીને એલએસી અને અગાઉના કરારોનું સન્માન કરવા જણાવ્યું હતું. જયશંકરે કહ્યું હતું કે સંબંધોમાં સ્થિરતા બંને દેશોના હિતમાં છે. તેમણે વાંગ યીને કહ્યું હતું કે ભારત-ચીન સંબંધો પુનઃસ્થાપિત કરવાનું મુખ્ય કારણ સરહદ વિવાદ છે. તેમણે કહ્યું હતું કે સરહદ પર જે પણ સ્થિતિ હશે એ જ આપણા સંબંધોમાં પણ જોવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.