બીબીસીની ફિલ્મ પર પ્રતિબંધના મૂળ દસ્તાવેજો રજૂ કરોઃ સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ગોધરાના રમખાણો પર બીબીસીએ બનાવેલી દસ્તાવેજી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાના નિર્ણય અંગેના ઓરિજનલ રેકોર્ડ ત્રણ સપ્તાહમાં રજૂ કરવા આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૦૨માં ગુજરાતના ગોધરા ખાતે ૫૭ જેટલાં કારસેવકોને ટ્રેનમાં જીવતાં જલાવી દેવાની નૃશંસ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલાં કોમી રમખાણો પર બ્રિટિશ મીડિયા કંપની બીબીસીએ બે ભાગમાં બનાવેલી દસ્તાવેજી ફિલ્મ ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ પર કેન્દ્ર સરકારે ૨૦૨૩માં પ્રતિબંધ મુક્યો હતો.
પત્રકાર એન. રામ, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા તથા વકીલ પ્રશાંત ભૂષણ અને વકીલ એમ.એલ. શર્મા દ્વારા બીબીસીની દસ્તાવેજી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાના સરકારના નિર્ણયને પડકારતી એક અરજીમાં જસ્ટિસ સંજીવ ખન્ના તથા સંજય કુમારની બેન્ચે કેન્દ્ર સરકારને ત્રણ સપ્તાહમાં બીબીસીની ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મુકવાના નિર્ણય સાથે સંકળાયેલા મૂળ દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું છે.
બેન્ચે અરજદારોને ત્યારબાદના બે સપ્તાહમાં રિજોઈન્ડર એફિડેવિટ ફાઈલ કરવાનો સમય આપી આ મામલાની અંતિમ સુનાવણી જાન્યુઆરી, ૨૦૨૫ સુધી મુલતવી રાખી છે.
બેન્ચે જણાવ્યું હતું કે, આ મામલાની ૧૦ મિનિટમાં પતાવટ શક્ય નથી, તેની પર ચર્ચા જરૂરી છે.સરકાર તરફથી ઉપસ્થિત રહેલાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું હતું કે, સરકારે આ મામલે હજી પોતાનો જવાબ ફાઈલ નથી કર્યાે અને તે માટે તેમને બે સપ્તાહનો સમય જોઈશે.
જોકે અરજદારો તરફથી ઉપસ્થિત વકીલ સી.યુ. સિંઘે મહેતાની વિનંતીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, સરકારને જાણ હોવા છતાં તેણે આ મામલે જવાબ રજૂ કર્યાે નથી. જોકે જસ્ટિસ ખન્નાએ જણાવ્યું હતું કે, આ મામલે સર્વાેચ્ચ અદાલત કેન્દ્રનો જવાબ ચકાસશે.
અરજદારના વકીલ સિંઘે એવી દલીલ કરી હતી કે, સરકારે આ દસ્તાવેજી ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માટે આઈટી એક્ટ, ૨૦૨૧ની ઈમરજન્સી સત્તાનો ઉપયોગ કર્યાે છે.SS1MS