ધર્મનિરપેક્ષતા બંધારણના મૂળભૂત માળખાનો હિસ્સો છે: સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, ધર્મનિરપેક્ષતા હંમેશા ભારતીય બંધારણના મૂળભૂત માળખાનો હિસ્સો રહી છે. કોર્ટે સોમવારે રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સુબ્રમણિયન સ્વામી, વિષ્ણુશંકર જૈન અને અન્યની પિટીશન અંગે સુનાવણી કરતી વખતે આવી ટિપ્પણી કરી હતી.
અરજીમાં ‘સોશિયાલિસ્ટ’ (સમાજવાદી) અને ‘સેક્યુલર’ (ધર્મનિરપેક્ષ) શબ્દને બંધારણની પ્રસ્તાવનામાં સામેલ કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.જજ સંજીવ ખન્ના અને જજ સંજય કુમારની બેન્ચે જણાવ્યું હતું કે, “આ કોર્ટે સંખ્યાબંધ ચુકાદામાં જણાવ્યું છે કે ધર્મનિરપેક્ષતા (સેક્યુલરિઝમ) હંમેશા બંધારણના પાયાના માળખાનો ભાગ રહી છે. તે બંધારણની મુખ્ય વિશેષતા છે.”
ઉલ્લેખનીય છે કે, ઇંદિરા ગાંધીએ ૧૯૭૬માં ૪૨મા બંધારણીય એમેન્ડમેન્ટ હેઠળ બંધારણની પ્રસ્તાવનામાં ‘સોશિયાલિસ્ટ’ અને ‘સેક્યુલર’ શબ્દને ઉમેર્યા હતા. તેને લીધે બંધારણની પ્રસ્તાવનામાં ભારતનું વર્ણન ‘સાર્વભૌમ, લોકશાહી, પ્રજાસત્તાક’માંથી બદલી ‘સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી પ્રજાસત્તાક’ થયું હતું.
સુનાવણી વખતે એડવોકેટ જૈને જણાવ્યું હતું કે, “ડો. ભીમરાવ આંબેડકરના અભિપ્રાય મુજબ ‘સોશિયાલિઝમ’ શબ્દના સમાવેશથી વ્યક્તિગત સ્વતંત્રતા ઘટશે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “પ્રસ્તાવનામાં એમેન્ડમેન્ટ્સ દ્વારા ફેરફાર કરી શકાય નહીં.”સુબ્રમણિયન સ્વામીએ જણાવ્યું હતું કે, “બંધારણની પ્રસ્તાવના ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ જાહેર કરાયેલી ઘોષણા હતી. એટલે તેમાં એમેન્ડમેન્ટ દ્વારા શબ્દોનો ઉમેરો એકપક્ષીય ગણાય.
વર્તમાન પ્રસ્તાવનાને આધારે એવું માનવું ખોટું ગણાશે કે ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતના લોકો બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદ અને ધર્મનિરપેક્ષ’ શબ્દના સમાવેશ માટે સંમત હતા.જજ ખન્નાએ જણાવ્યું હતું કે, “સોશિયાલિઝમ કે સમાજવાદના જુદાજુદા અર્થ થાય છે.
તેનો પશ્ચિમના દેશો દ્વારા અપનાવાયેલો અર્થ સ્વીકારવો જોઇએ નહીં. સમાજવાદનો અર્થ એવો પણ થાય કે દેશના નાગરિકોને સમાન તક મળવી જોઇએ અને દેશની સંપત્તિ જનતામાં સમાન રીતે વહેંચાવી જોઇએ.” એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે પણ પિટીશન ફાઇલ કરી હતી.
તેમાં જણાવાયું હતું કે, “હું સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાના શબ્દ કે તેના બંધારણમાં સમાવેશના વિરોધમાં નથી. કોઇ શબ્દનો ઉમેરો કરવાથી દેશ પર તેની કોઇ વાસ્તવિક અસર નથી થતી, પણ તેને લીધે આગામી સરકારો માટે મોટી સમસ્યાઓ ઊભી થઈ હતી.”SS1MS