Western Times News

Gujarati News

ભારત કોઈપણ સંબંધોને હળવાશથી નથી લેતુંઃ પીએમ મોદી

નવી દિલ્હી, કેનડા સાથેના રાજદ્વારી સંબંધોમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક માર્મિક નિવેદન કરતાં જણાવ્યું હતું કે, ભારત કોઈ પણ સંબંધોને હળવાશથી નથી લેતું. દેશના સંબંધોનો પાયો વિશ્વાસ અને વિશ્વસનીયતા પર રચાયેલો હોય છે અને વિશ્વને પણ આ બાબત સમજાઈ રહી છે.

બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રિક્સ દેશોની બેઠકમાં ભાગ લેવા રશિયા જવા ઉપડશે. એક કાર્યક્રમમાં કેનેડાનો ઉલ્લેખ કર્યા વગર વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત એ એક એવો દેશ છે જેની પ્રગતિથી વિશ્વમાં ખુશહાલી પ્રસરે છે.

ચંદ્રયાન મિશનની સફળતામાં ભારતને મળેલી સફળતાની વિશ્વના દેશોએ તહેવારની જેમ ઉજવણી કરી હતી. ભારતના વિકાસથી કોઈને ઈર્ષા નથી થતી કારણકે તેના વિકાસથી સમગ્ર વિશ્વને લાભ થાય છે.

ભારતની ચઢતીથી સમગ્ર વિશ્વ ખુશ થાય છે. વિવિધ ક્ષેત્રોમાં દેશના વિકાસની ઝલક આપતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ઈન્ળાસ્ટ્રક્ચરથી લઈને ડિજિટલ સાક્ષરતા સહિતના ક્ષેત્રે ભારતે અભૂતપૂર્વ કામગીરી દાખવી છે.

દેશ હાલ થઈ રહેલી સર્વાંગી વૃદ્ધિ ભારત પર દુનિયાના દેશોના વિશ્વાસનું મહત્વનું કારણ બની છે. કોરોના કાળ દરમિયાન વિશ્વના દેશોને વેક્સિન અને અન્ય માનવીય સહાય પહોંચાડવાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, જગતના દેશોને એ બાબતનો ભરોસો છે કે, ભારત કટોકટી વખતે તેમની મદદમાં આવે તેવું મિત્ર રાષ્ટ્ર છે.

કોરોનાનો સમય એવો હતો કે જ્યારે ભારત કરોડો ડોલરની કમાણી કરી શક્યું હોત, પરંતુ ભારત માનવતાના ભોગે આર્થિક લાભ મેળવવામાં નથી માનતું. બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે કે કેમ તે અંગે ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે ચુપકીદી સેવી હતી. આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળતાં તેણે કહ્યું હતું કે જે કંઇ પણ જાણવા મળશે તો અમે તેની જાણ કરીશું.

જોકે ચીનના વિદેશ મંત્રી લીન જિઆને જિનપિંગ સાથે અનેક નેતાઓ સાથે વાટાઘાટો કરવાના હોવાની બાબતને સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે બન્ને નેતાઓ મંગળવારથી શરૂ થઇ રહેલા રશિયાના કઝાનમાં બ્રિક્સના સંમેલનમાં હાજરી આપવાના છે. બન્ને નેતાઓની મીટિંગ અંગે ભારતે પણ કોઇ માહિતી આપી નથી. બ્રિક્સની બેઠક ૨૨ થી ૨૪ ઓક્ટોબરમાં યોજાવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.